સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કેસમાં ગુનો નોંધ્યો, એક કિલોમીટર દૂરથી મળી બાઈક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક વર્ષથી મળી રહેલી ધમકી બાદ આખરે રવિવારની વહેલી સવારે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રાસ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કરી બે બાઈકસવાર ફરાર થઈ જતાં બોલીવૂડ હચમચી ઊઠ્યું હતું. કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશનોઈ ના ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તે અંગેનો મેસેજ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટરના અંતરેથી એક બાઈક મળી આવી હતી, જે આરોપીઓએ ગુનામાં વાપરી હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બાન્દ્રા પશ્ર્ચિમમાં બૅન્ડસ્ટેન્ડ પાસે ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર બની હતી. બાઈક પર આવેલા બે શખસે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ઈમારતની દીવાલમાં વાગી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી. બાન્દ્રા પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: સલમાનના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લેનારી ગેંગે કહ્યું ‘આ તો ટ્રેલર છે…’
દરમિયાન સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની જાણ થતાં બાન્દ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ગૅલેક્સી એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. ઘટના બની ત્યારે અભિનેતા અને તેનો પરિવાર ઘરમાં જ હતો.
ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજ તિલક રોશનના કહેવા મુજબ હેલ્મેટ પહેરેલા બાઈકસવાર બે શખસ સલમાન ખાનના નિવાસસ્થાન બહાર પિસ્તોલમાંથી ચારથી પાંચ રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓની શોધ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ ઘટનામાં દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ મેળવવા માટે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: એકનાથ શિંદેએ સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવીના વીડિયો જોતાં શૂટરોએ ગોળીબાર હવામાં કર્યો હોવાનું પ્રથમદર્શી જણાઈ રહ્યું છે. ગોળીબારથી કોઈને નુકસાન પહોંચાડવાનો ઇરાદો હોવાનું લાગતું નથી. માત્ર ડર ફેલાવવા અને સંદેશ પહોંચાડવા માટે આ ગોળીબાર કરવામાં આવ્યો હશે. ગોળીબાર વહેલી સવારે કરવામાં આવ્યો, જ્યારે ગૅલેક્સી એપાર્ટમેન્ટ આસપાસના માર્ગો ખાલીખમ હોય છે. આના પરથી એવું ફલિત થાય છે કે હુમલાખોરો કોઈના પર જીવલેણ હુમલો કરવા નહોતા માગતા.
ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષથી સલમાન ખાનને ધમકીઓ મળી રહી હતી. જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાનું કહેવાતું હતું. રવિવારે ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકો પછી લૉરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્ર્નોઈએ ફેસબુક પેજ પર એક મેસેજ મૂક્યો હતો. હિન્દીમાં મૂકવામાં આવેલા આ મેસેજમાં ગોળીબારની જવાબદારી સ્વીકારનારા અનમોલે અભિનેતાને ચેતવણી પણ આપી હતી. પોલીસ આ ફેસબુક પેજની ખરાઈ ચકાસી રહી છે.