વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો | મુંબઈ સમાચાર

વિધાનસભ્ય રાજન સાળવી વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત ધરાવવાનો ગુનો

રત્નાગિરિમાં વિધાનસભ્યના ઘર-હોટેલ સહિત સાત સ્થળે એસીબીની સર્ચ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રત્નાગિરિના શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય રાજન પ્રભાકર સાળવીના ઘર-હોટેલ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી વિધાનસભ્ય સહિત પત્ની અને પુત્ર વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધ્યો હતો.રાજન સાળવી રત્નાગિરિના રાજાપુર મત વિસ્તારમાંથી ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમની પાસેથી જ્ઞાત આવકના સ્રોત કરતાં ૧૧૮.૯૬ ટકા વધુ મિલકત મળી આવી હોવાનું એસીબીએ જણાવ્યું હતું.

એસીબીની ટીમે ગુરુવારે સવારે સાળવીના ઘર, હોટેલ અને ઑફિસ સહિત સાત સ્થળે સર્ચ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન તેમના અને પરિવારજનોને નામે ઑક્ટોબર,
૨૦૦૯થી ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન રત્નાગિરિ જિલ્લામાં અલગ અલગ સ્થળે આવકના સ્રોત કરતાં ૩.૫૩ કરોડ રૂપિયાની વધુ મિલકત હોવાનું જણાયું હતું.

એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ સંબંધિત મિલકત બાબતે વિધાનસભ્ય સંતોષજનક ઉત્તર આપી શક્યા નહોતા. આ મિલકતો ખોટી રીતે કમાયેલી હોવાની જાણ હોવા છતાં પત્ની અનુજા સાળવી અને પુત્ર શુભમ સાળવીએ ઇરાદાપૂર્વક પોતાના નામે ધારણ કરી કબજામાં રાખી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

આ પ્રકરણે રત્નાગિરિ સિટી પોલીસ સ્ટેશનમાં ગુરુવારે સાળવી, તેમની પત્ની અનુજા અને પુત્ર શુભમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button