પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળવાના કેસમાં યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો
થાણે: નવી મુંબઈમાં જર્જરિત ઈમારતની પાણીની ખાલી ટાંકીમાંથી 35 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યાના કેસમાં પોલીસે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ઉરણ પોલીસના જણાવ્યા મુજબ મૃતક ઈમાદુલ પાચુ શેખના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે બુધવારે ઉરણમાં રહેતા સાયરાલી જલિલ શેખ (27) સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆર અનુસાર આરોપીનો મિત્ર થોડા દિવસ માટે મૃતક ઈમાદુલના ઘરે રહેવા આવ્યો હતો. જોકે ઈમાદુલે તેને ઘરમાંથી બહાર જવાનું કહેતાં આરોપી ગિન્નાયો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ગયા વર્ષની 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન આરોપીએ ઈમાદુલ પર હુમલો કરી તેની કથિત હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહને ઉરણના ચિરલે પરિસરમાં આવેલી જર્જરિત ઈમારતની પાણીની ખાલી ટાંકીમાં ફેંકી દીધો હતો.
મૃતદેહ મળ્યા પછી પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમના અહેવાલ અને ઈમાદુલના ભાઈની ફરિયાદને આધારે પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)