બિલ્ડર પાસેથી લાંચ માગવા બદલ અહમદનગર મહાપાલિકાના કમિશનર વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બિલ્ડર પાસેથી 9.30 લાખ રૂપિયાની કથિત લાંચ માગવા પ્રકરણે અહમદનગર મહાનગરપાલિકાના કમિશનર તથા પ્રશાસક ડૉ. પંકજ જાવળે અને તેમના પર્સનલ આસિસ્ટન્ટ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણે અહમદનગરના 41 વર્ષના બિલ્ડરે કરેલી ફરિયાદ પછી એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ ગુરુવારે તોફખાના પોલીસ સ્ટેશનમાં 47 વર્ષીય જાવળે અને તેમના પર્સનલ આસિસ્ટન્ટ શ્રીધર દેશપાંડે (48) વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : થાણેમાં ગેરકાયદે પબ અને બાર તેમ જ ડ્રગ્સ વેચનારા સામે કડક કાર્યવાહી
ફરિયાદ અનુસાર બિલ્ડર ભાગીદારીમાં ક્ધસ્ટ્રક્શન કંપની ધરાવે છે. કંપની દ્વારા અહમદનગર મહાપાલિકાની હદમાં મૌજે નાલેગાંવ ખાતે એક પ્લૉટ ખરીદવામાં આવ્યો હતો, જેના પર બાંધકામ હાથ ધરવાનું હોવાથી ફરિયાદીએ 18 માર્ચે પાલિકામાં અરજી કરી હતી.
બાંધકામ સંબંધી પરવાનગી આપવા માટે દેશપાંડેએ બિલ્ડર પાસેથી 9.30 લાખ રૂપિયાની લાંચ માગી હતી. તડજોડ બાદ આઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. દેશપાંડેએ આ રકમ ડૉ. જાવળે વતી માગી હોવાનો દાવો કર્યો હતો.
ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેણે 19 જૂને જાલના એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની પ્રાથમિક તપાસમાં ફરિયાદમાં તથ્ય હોવાનું જણાતાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.