ભાયંદરમાં માલિક પર ચાકુથી હુમલો કરીને ફરાર થયેલો યુવક ઉત્તર પ્રદેશથી ઝડપાયો…

થાણે: ભાયંદરમાં ઇવેન્ટનું કામ આપવા બાબતે થયેલા વિવાદમાં માલિક પર ચાકુથી હુમલો કરીને ફરાર થઇ ગયેલા 23 વર્ષના યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ તુષાર સંતોષ દુબે તરીકે થઇ હોઇ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને ભાયંદર લવાયો હતો અને નવઘર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
મંડપ ડેકોરેટર દશરથ માંગીલાલ શર્મા (27) પાસે આરોપી તુષાર દુબે કામ કરતો હતો અને તેનો ઇવેન્ટનું કામ આપવા બાબતે દશરથ સાથે વિવાદ થયો હતો. આથી 11 ડિસેમ્બર, 2025ના બપોરે તુષારે દશરથ પર ચાકુથી હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયો હતો. હુમલામાં ઇજા પામેલા દશરથને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા બાદ નવઘર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.
ગુનો આચર્યા બાદ ઉત્તર પ્રદેશ ભાગી છૂટેલો તુષાર ધરપકડથી બચવા પોતાનાં ઠેકાણાં બદલતો રહેતો હતો. આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જોનપુર રવાના થઇ હતી અને ત્યાં તપાસ કરીને તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને ભાયંદર લાવવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.



