પ્રવાસીઓની મારપીટઃ બોરીવલીમાં ટીસી સામે પોલીસ પ્રશાસને નોંધ્યો ગુનો
મુંબઈ: પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લોકલ ટ્રેનના પ્રવાસીઓ સાથે દાદાગિરી કરતા અને અમુક કિસ્સાઓમાં તેમના પર હાથ ઉગામતા દબંગ ટિકિટ ચેકરો સામે રેલવે પોલીસે લાલ આંખ કરી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
મારપીટ તેમ જ ગેરવર્તણૂકની ફરિયાદ થઇ હોય તેવા ટિકિટ ચેકરો વિરુદ્ધ બોરીવલી રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે રેલવે પોલસે કરેલી કાર્યવાહીને પગલે ટિકિટ ચેકરોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બોરીવલી રેલવે પોલીસે પ્રવાસીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા તેમ જ તેમની મારપીટ કરનારા આઠ ટિકીટ ચેકરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સોમવારે બનેલી આ ઘટનામાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ટિકિટ ચેકરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ વિશે માહિતી આપતા બોરીવલી રેલવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરનારો 27 વર્ષનો ખારઘરનો રહેવાસી ઝુબેર અહેમદ બપોરે બે વાગ્યાની આસપાસ બોરીવલીથી અંધેરી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ટિકિટ ચેકરો કમ્પાર્ટમેન્ટમાં આવીને ટિકિટ ચેક કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો
ઝુબેર પાસે ટિકિટ નહીં હોવાના કારણે તેને બોરીવલીની સ્ટેશન કેબિનમાં લાવવામાં આવ્યો હતો. અહીં આઠ ટિકિટ ચેકરોએ તેને ગાળો આપીને તેની મારપીટ કરી હોવાના આરોપ ઝુબેરે મૂક્યો હતો. જેને પગલે બોરીવલી રેલવે પોલીસે ફરિયાદ નોંધી હતી.
જોકે સૂત્રોએ જણાવ્યા મુજબ બોરીવલી રેલવે પોલીસ અને ટિકિટ ચેકરો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને પગલે આ ઘટના સામે આવી છે. ટિકિટ ચેકરોનો આરોપ છે કે બોરીવલી રેલવે પોલીસ ઉદ્ધત પ્રવાસીઓ વિરુદ્ધ ગુનો નથી નોંધતા. એક કિસ્સામાં તો બોરીવલી રેલવે પોલીસે ટિકિટ ચેકરને ફરિયાદ નોંધાવવા માટે આઠ કલાક રાહ જોવડાવી હોવાનું પણ સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું.