લાંચના કેસમાં સિનિયર ઈન્સ્પેક્ટર સહિત ત્રણ અધિકારી વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહિલાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં કાનૂની પ્રક્રિયા સરળતાથી કરવાના બદલામાં પાંચ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ અધિકારી સામે ગુનો નોંધ્યો હતો.
કોર્ટના આદેશને પગલે એસીબીએ મંગળવારે બોરીવલી પોલીસ સ્ટેશનના તત્કાલીન સિનિયર ઈન્સ્પેક્ટર સુધીર કાલેકર, ઈન્સ્પેક્ટર અરવિંદ ઘાગ અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર સ્વપ્નાલી માંડે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બોરીવલીમાં રહેતી 31 વર્ષની મહિલાએ 2021માં પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બોરીવલી પોલીસે ફરિયાદને આધારે ગુનો પણ નોંધ્યો હતો. જોકે તપાસ દરમિયાન મહિલાને તેના દાગીના સાસરિયાં પાસેથી હસ્તગત કરી સુપરત કરવા, કોર્ટ સમક્ષ ફરિયાદીની જુબાની નોંધવા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીએ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે સિનિયર ઈન્સ્પેક્ટર કાલેકર અને ઈન્સ્પેક્ટર ઘાગ તરફથી મહિલા પોલીસ અધિકારી માંડેએ લાંચની માગણી કરી હતી, જેમાંથી 2.25 લાખ રૂપિયા તેણે સ્વીકાર્યા હતા.
આ પ્રકરણે મહિલાએ સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની માગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તત્કાલીન ત્રણેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કરી તપાસનો આદેશ આપ્યો હતો.