ડીન પાસે શૌચાલય સાફ કરાવનાર સાંસદ સામે ગુનો: માર્ડની આંદોલનની ચીમકી
છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 જણનાં મોત થયા હોવાના એક દિવસ બાદ ડીન પાસે હોસ્પિટલના ગંદાં શૌચાલયો અને યુરિનલ સાફ કરાવવાનું સાંસદ હેમંત પાટીલને ભારે પડ્યું હતું. પોલીસે આ કેસમાં શિવસેનાના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ પાટીલ જો માફી નહીં માગે તો રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ધમકી માર્ડે આપી હતી.
કાર્યકારી ડીન એસ.આર. વાકોડે દ્વારા સરકારી કર્મચારીને તેની ફરજ બજાવવામાં અવરોધરૂપ અને બદનામ કરવાના આરોપ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે ક્ે 30મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન કેટલાક શિશુઓ સહિત મૃત્યુ અંગેના આક્રોશ વચ્ચે હિંગોલીના સાંસદે મંગળવારે ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
એક વાયરલ વીડિયોમાં પાટીલ વાકોડેને સાવરણી આપતા અને તેને શૌચાલય અને દીવાલ પરની ગંદકીને સાફ કરતા દર્શાવવામાં આવ્યા હતા.
સરકાર કરોડોનો ખર્ચ કરે છે, પણ અહીંની સ્થિતિ જોઇને મને દુ:ખ થયું હતું. મહિનાઓથી શૌચાલયોની સફાઇ કરવામાં આવી નથી. હોસ્પિટલના વોર્ડમાં શૌચાલયોને તાળાં લાગેલા છે. શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા નથી, એવું પાટીલે જણાવ્યું હતું.
વાકોડેએ નોંધાવેલી ફરિયાદ બાદ બુધવારે સવારે પાટીલ અને અન્ય 10થી 15 સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
(પીટીઆઈ)