એક કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર સામે ગુનો
મુંબઈ: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ પેન્ડિંગ ટૅક્સના મામલાની પતાવટ કરવા માટે કંપનીના ડિરેક્ટર પાસેથી એક કરોડ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર અને મહારાષ્ટ્ર જીએસટી ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હતો.
એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ ૭ હેઠળ સ્ટેટ ટૅક્સ (ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ)ના આસિસ્ટન્ટ કમિશનર અર્જુન સૂર્યવંશી અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ બીજી ફેબ્રુઆરીએ ગુનો નોંધવામાં આવ્યો હતો. સ્પેશિયલ સ્ટેટ ટૅક્સ
કમિશનર અને ચીફ વિજિલન્સ ઑફિસર દ્વારા રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (એસીબી)ને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં સ્ટેટ ટૅક્સ વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરી તે મામલે તપાસ કરાવવાની માગણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સૂર્યવંશી અને તેમની ટીમે ગયા વર્ષની પાંચ જુલાઈથી સાત ઑગસ્ટ દરમિયાન વાશીની કંપનીમાં રેઈડ કરી હતી, જેમાં કંપની દ્વારા ૨૦ કરોડથી વધુનો ટૅક્સ ચૂકવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વારંવાર જાણ કર્યા છતાં કંપનીના ડિરેક્ટર દ્વારા બાકી ટૅક્સ ભરવામાં આવ્યો નહોતો. પરિણામે જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડિરેક્ટરના ઘર અને ઑફિસે ગયા હતા, એમ એસીબીએ જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર ૨૧ ઑગસ્ટે સૂર્યવંશીએ વ્હૉટ્સઍપ મેસેજ મોકલાવી ટૅક્સના મામલાની પતાવટ કરવા કંપનીના ડિરેક્ટર પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ પ્રકરણે ડિરેક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી.
એસીબીની તપાસમાં લાંચની માગણી કરાઈ હોવાની ખાતરી થઈ હતી. જોકે નાણાંની લેવડદેવડ થઈ નહોતી. લાંચની માગણી કરવા બદલ એસીબીએ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીનું કહેવું છે. (પીટીઆઈ)