ભાયંદરની સ્મશાનભૂમિમાં બિલાડીના અંતિમસંસ્કાર: છ જણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયંદરની સ્મશાનભૂમિમાં માનવદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ મૃત બિલાડીના અંતિમસંસ્કાર કરવાની ચોંકાવનારી ઘટનાને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે તપાસ અહેવાલને આધારે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના અધિકારીએ જીવદયાપ્રેમી સંસ્થાના બે કર્મચારી સહિત છ જણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પાલિકાના અધિકારી અરવિંદ ચાળકેએ નોંધાવેલી ફરિયાદને આધારે ભાયંદર પોલીસે બુધવારે જિતેશ પટેલ, પારુલ પટેલ, બબન થુળે, હનુમાન ચવ્હાણ, મિરાજ અલી અને નીલેશ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર મીરા-ભાયંદર મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર રવિ પવારે 24 ડિસેમ્બરે ચાળકેને વ્હૉટ્સઍપ પર તસવીર અને વીડિયો મોકલ્યા હતા. ભાયંદર પશ્ર્ચિમમાં આંબેડકર નગર સ્થિત સ્મશાનભૂમિમાં માનવદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ મૃત બિલાડીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાની એ તસવીર અને વીડિયો હતા.
વરિષ્ઠ અધિકારીના આદેશને પગલે ચાળકેએ આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જણાયું હતું કે 22 ડિસેમ્બરની બપોરે જીવદયાપ્રેમી સંસ્થાનાં જિતેશ પટેલ અને પારુલ પટેલ બિલાડીનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લાવ્યાં હતાં. બિલાડીને અગ્નિદાહ આપવા માટે બન્નેને સ્મશાનભૂમિમાં કાર્યરત પાલિકાના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ મદદ કરી હતી.
સંબંધિત ઘટનાની તપાસ કરી ચાળકેએ અહેવાલ ડેપ્યુટી કમિશનર પવાર સમક્ષ રજૂ કર્યો હતો. અહેવાલને પગલે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.