પૉલિશ કરવા આપેલા 19.50 લાખના દાગીના લઇ ફરાર થયેલો કારીગર પ. બંગાળથી પકડાયો…

મુંબઈ: દક્ષિણ મુંબઈના વી.પી. રોડ વિસ્તારમાં પૉલિશ કરવા માટે માલિકે આપેલા 19.50 લાખ રૂપિયાના દાગીના લઇને પલાયન થયેલા કારીગરને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો. કારીગરની ઓળખ બિશુ રામકૃષ્ણ મંગલ (33) તરીકે થઇ હોઇ તેની પાસેથી 14 લાખના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
વી.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં દુકાન ધરાવતા અનુપમ તપનકુમાર પાલે તેના કારીગર બિશુ મંગલને 1 જૂનના રોજ 19.50 લાખના દાગીના પૉલિશ કરવા માટે આપ્યા હતા. જોકે તે દાગીના સાથે રફુચક્કર થઇ ગયો હતો. કારીગર દુકાનમાં પાછો ન ફરતાં તેનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પણ તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. કારીગર દાગીના લઇને ભાગી છૂટ્યો હોવાની ખાતરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. દરમિયાન આરોપી પશ્ર્ચિમ બંગાળ ભાગી છૂટ્યો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી અને બે દિવસ છટકું ગોઠવીને આરોપીને પૂર્વ મિદનાપુરથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીને મુંબઈ લવાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.