વસઈ-વિરાર મનપા વિસ્તારના અર્નાળા બીચ પાસેના અનધિકૃત રિસોટર્સ પર પાલિકાનો હથોડો
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ બાદ તાકીદે કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશને પગલે વસઈ-વિરાર મનપા વિસ્તારમાં આવતા અર્નાળા બીચ નજીકના અનધિકૃત રિસોટર્સ પર સોમવારે પાલિકાએ હથોડો ચલાવ્યો હતો.
બીચ પર આવેલા બધા જ અનધિકૃત રીતે ચાલતા રિસોટર્સને બંધ કરવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો. શિવસેના (અવિભાજિત)ના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ રઘુનાથ મોરેના પુત્ર અને શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ ઉપશહેર પ્રમુખ મિલિંદ મોરેનું રવિવારે નિધન થયું હતું. તેઓ પોતાના પરિવાર સાથે અર્નાળા રિસોર્ટ પર બાંધવામાં આવેલા એક રિસોર્ટ પર ગયા હતા અને સ્થાનિક નાગરિકો સાથે થયેલા વિવાદને પગલે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં થયેલી મારપીટને કારણે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું.
આ પણ વાંચો : થાણે-સાકેત વચ્ચે બનશે એલિવેટેડ રોડ, ટ્રાફિકની સમસ્યા દૂર થવાની શક્યતા
એકનાથ શિંદેને મોરેના નિધનની જાણકારી થતાં જ તેઓ તેમના નિવાસસ્થાને ગયા હતા અને કુટુંબીઓ પાસેથી મળેલી માહિતી બાદ તેમણે વસઈ-વિરાર મનપાના કમિશનરને આ વિસ્તારમાં આવેલા બધા જ ગેરકાયદે રિસોર્ટ પર હથોડો ચલાવવાનો આદેશ આપ્યો હતો.
એકનાથ શિંદેના આદેશ બાદ અહીં અનેક રિસોર્ટ પર સોમવારે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ફણ આ કાર્યવાહી ચાલુ રહેશે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.