
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાર વર્ષ પહેલા વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવેલા માનખુર્દ-ઘાટકોપર લિંક રોડ ફ્લાયઓવરના એક થાંભલા પર તિરાડો પડી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્થાનિક લોકોએ આ બાબતે ફરિયાદ કર્યા બાદ પાલિકાએ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હોઈ તે માળખું સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. ફ્લાયઓવર સંપૂર્ણ રીતે સુરક્ષિત હોઈ તેના પર વાહનવ્યવહાર પણ ચાલુ રાખવામાં આવશે એવું પાલિકાએ જણાવ્યું છે.
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે અને તે સાયન-પનવેલ હાઈવેને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડે છે. આ ફ્લાયઓવરનો એક હિસ્સો દેવનાર તરફ ફેલાયેલો છે, જેથી માનખુર્દ શિવાજી નગરથી આવતા વાહનો ફ્લાયઓવર પર જઈ શકે અને વાશી અથવા નવી મુંબઈ તરફ સીધા જઈ શકે છે.
સુધરાઈના બ્રિજ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં ફ્લાયઓવરના દેવનાર બાજુ તરફના થાંભલાના પ્લીન્થ બીમ પર તિરાડ જણાઈ આવી હતી. એ સાથે જ ફ્લાયઓવરના મુખ્ય રસ્તા પર તિરાડ જોવા મળી હતી. તપાસ દરમ્યાન આ થાંભલામાં પડેલી તિરાડ માટે પાલિકાનું સ્યુએજ ઓપરેશન ડિપાર્ટમેન્ટ જવાબદાર હોવાનું જણાઈ આવ્યું હતું. સ્યુએજ ઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા માઈક્રો ટનલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દિવાલ હેઠળની માટી ધોવાઈ જવાથી થાંભલાને નુકસાન થયું છે. અંડરગ્રાઉન્ડ ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાંથી પાણી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે માટી ધોવાઈ જતા દિવાલના અમુક પેનલ અને બીમમાં તિરોડ પડી ગઈ હતી.
બ્રિજ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વીજેટીઆઈના ટેક્નિકલ સલાહકાર અને નિષ્ણાતો દ્વાર ફ્લાયઓવરનું ટેક્નિકલ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું છે. તેમણે કરેલી ભલામણ મુજબ સ્યુએજ પ્રોેજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે અને ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.