મધ્ય રેલવેમાં પાંચમી-છઠ્ઠી લાઈન માટે 200 ઝૂંપડાનો થશે સફાયો, શું ફાયદો થશે જાણો?

મુંબઇઃ મધ્ય રેલવેમાં વર્ષોથી પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ પેન્ડિંગ પડ્યું છે, જે અન્વયે આગામી દિવસોમાં પાંચમી-છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે 200થી વધુ ગેરકાયદે ઝૂંપડાને સફાયો કરવામાં આવશે. કુર્લા અને પરેલ વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનના પ્રોજેક્ટના ભાગરૂપે વિદ્યાવિહારમાં આશરે 200 ઝૂંપડપટ્ટીને તોડી પાડવામાં આવશે. લોકમાન્ય ટિળક ટર્મિનસ અને કલ્યાણ રેલવે સ્ટેશન વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન પહેલેથી કાર્યરત છે. હવે તેને કુર્લા અને પરેલ વચ્ચે લંબાવવાનું કામ ચાલી રહ્યું છે, જે કામકાજ પાર પડ્યા પછી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન અને સબર્બનની લોકલ ટ્રેનો માટે સ્વતંત્ર કોરિડોર મળશે.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ અઠવાડિયા દરમિયાન શિવકૃપા સોસાયટી અને વણઝારા વસતીની ઝૂંપડપટ્ટીને તોડી પાડવાનું કામ કરીશું આને કારણે વિદ્યાવિહારના પ્લેટફોર્મ આ એક્સટેન્શન માટેનો માર્ગ મોકળો થશે.
આ પ્રોજેક્ટના ભાગરૂપે મધ્ય રેલવે બ્રિટીશ જમાનાનો સાયન રોડ ઓવરબ્રિજ પણ તોડી પાડવાની છે અને તેના સ્થઆને નવો વધુ પહોળો અને વધુ લાંબો બ્રિજ બાંધશે, જેને કારણે સાયન સ્ટેશનની પશ્ચિમ બાજુએ વધારાના ટ્રેક માટે જગ્યા મળશે. આ એડિશનલ લાઈનનું નિર્માણ કર્યા બાદ પરેલ-કુર્લાનો આ સ્ટ્રેચ પરેલ અને કલ્યાણ વચ્ચેના મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો માટેના 44 કિમીના લાંબા કોરિડોરનો ઉપયોગ કરી શકાશે.
આ પ્રોજેક્ટનો CSMTને પરેલ સાથે જોડવાનો અંતિમ તબક્કો મર્યાદિત જમીનની ઉપલબ્ધતાને કારણે પડકારજનક હતો. જોકે, આ સ્ટ્રેચ પર આવેલી મોટા ભાગની મિલકતો કાયદેસરની હોવાથી તેનું સંપાદન કરવાનું કામ ઘણું ખર્ચાળ અને સમય માગી લે છે.
આ પણ વાંચો : મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો શું થયું…
અત્યાર સુધીમાં મધ્ય રેલવેમાં પરેલ ખાતેની નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનની 2,656 સ્ક. કિમી. જમીન સંપાદિત કરી છે, પરંતુ તેમણે હજી સુધી દાદર અને કુર્લા વચ્ચે આવેલી સ્વદેશી મિલ (કુર્લા), ધારાવી, ટાટા પાવરની જમીન (માટુંગા) અને માટુંગા ખાતેના બીએમસીની માલિકીના પ્લોટને સંપાદન કરવાનો બાકી છે અને તેના સંપાદનનું કામ અધતન તબક્કામાં છે.
આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત કુલ 640 લોકોનું પુનર્વસન MMRDA દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે પાંચમી અને છઠ્ઠી લાઇનનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2008માં મંજૂર કરવામાં આવેલા મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ IIનો એક ભાગ છે. હાલમાં મધ્ય રેલવેની મુખ્ય લાઇનમાં CSMT અને થાણે વચ્ચે ચાર ટ્રેક છે, જેમાંથી બે ફાસ્ટ લાઇન માટે અને બે સ્લો લાઇન માટે છે. એલટીટી અને કલ્યાણ વચ્ચેની નવી લાઇન ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનો માટે સમર્પિત કોરિડોર પ્રદાન કરશે, જેનાથી કાર્યક્ષમતામાં પણ સુધારો થશે.
રેલવે અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે રેલવે લાઇન વિસ્તરણનો આ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂરો થઇ જશે અને તેને નાગરિકો માટે શરૂ કરવામાં આવશે. એક વાર જમીન સંપાદન પૂરુ થઇ જાય પછી કુર્લા અને પરેલ વચ્ચે ટ્રેક નાખવાની પ્રક્રિયા ચાલુ થશે, જે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરી થશે.