હોટેલિયર પાસેથી 25 લાખની લાંચ લેનારો કોર્ટનો અધિકારી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પોલીસ મુખ્યાલય નજીક હોટેલિયર પાસેથી પચીસ લાખ રૂપિયાની કથિત લાંચ લેનારા સ્મોલ કોઝીસ કોર્ટના અધિકારીને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રંગેહાથ પકડી પાડ્યો હતો.
એસીબીના મુંબઈ યુનિટે છટકું ગોઠવી પકડી પાડેલા આરોપીની ઓળખ વિશાલ ચંદ્રકાંત સાવંત (43) તરીકે થઈ હતી. તેની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી એસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : મુંબઈની ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારા સુધરી જાઓ, મહિનામાં આટલા ફોકટિયા પ્રવાસી પકડાયા…
ફરિયાદ અનુસાર હોટેલની માલિકી હક બાબતે ફરિયાદીએ ધોબી તળાવ સ્થિત સ્મોલ કોઝીસ કોર્ટમાં દાવો માંડ્યો હતો. આ પ્રકરણનો ચુકાદો અંતિમ તબક્કામાં પેન્ડિંગ હતો. ચુકાદો ફરિયાદીની તરફેણમાં લાવી આપવા માટે સાવંતે ફરિયાદી પાસેથી પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી.
ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીના અધિકારીઓએ ફરિયાદની ખાતરી કરી સોમવારે દક્ષિણ મુંબઈના એલ. ટી. માર્ગ સ્થિત એક હોટેલ ખાતે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી પચીસ લાખ રૂપિયા સ્વીકાર્યા બાદ સાવંતને એસીબીના અધિકારીઓએ પકડી પાડ્યો હતો