બાળકને નૈસર્ગિક પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય: કોર્ટે અપહરણના કેસમાં માતાને જામીન આપ્યા

મુંબઈ: સાત વર્ષની બાળકીને નૈસર્ગિગ પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય, એવું અવલોકન કરીને કોર્ટે 2013માં બીજી સગીરાનું અપહરણ કરવાના કેસમાં ધરપકડ કરાયેલી માતાને જામીન આપ્યા હતા.
આરોપી મહિલા સાત વર્ષની બાળકીની માતા છે અને તેની ધરપકડ કરાઇ ત્યારથી બાળકીને અંધેરી સ્થિત બાળગૃહમાં રાખવામાં આવી હતી.
2013માં સાત વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને તે લગભગ એક દાયકા બાદ મળી આવી હતી. આ કેસમાં આરોપી મહિલા અને તેના પતિની 2022માં ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો: સાળીના દીકરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
એડિશનલ સેશન્સ જજ એસ.એમ. તકાલીકરે (દિંડોશી કોર્ટ) નોંધ્યું હતું કે આરોપીની પુત્રી છેલ્લાં ત્રણ વર્ષથી માતાને મળી નથી. બાળકીને બાળભવનમાં રાખવામાં આવી છે, જ્યાં તેની સારી રીતે સંભાળ રખાય છે અને રક્ષણ મળી રહ્યું છે. જોકે સાત વર્ષની બાળકીને નૈસર્ગિક પાલકની હૂંફથી વંચિત રાખી નહીં શકાય.
આરોપી છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં છે. ટ્રાયલમાં પ્રગતિ થઇ નથી. આવા સંજોગોમાં તેની પુત્રીના સંગાથથી તે વંચિત રહી છે, એવી નોંધ પણ કોર્ટે કરી હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર 22 જાન્યુઆરી, 2013ના રોજ સાત વર્ષની બાળકી સ્કૂલેથી ઘરે પાછી ન ફરતાં તેની માતાએ ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…
3 ઑગસ્ટ, 2022ના રોજ પડોશીને એક મહિલાએ વીડિયો કૉલ કરીને અપહૃત બાળકી સાથે મળતી આવતી છોકરીનો વીડિયો બતાવ્યો હતો.
પડોશીએ બાળકીને ઓળખી કાઢી હતી. બાદમાં માતા એ સ્થળે પહોંચી હતી, જ્યાં બાળકીને રખાઇ હતી. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 2013માં આરોપીઓ આઇસક્રીમ અપાવવાને બહાને તેને પોતાની સાથે લઇ ગયા હતા.
તેઓ બાળકીને ગોવા લઇ ગયા હતા અને ઘણા મહિના તેને ત્યાં રાખી હતી. બાદમાં તેઓ વિલે પાર્લે આવ્યા હતા અને ભાડા પર ઘર લીધું હતું. ચાર મહિના ત્યાં રોકાયા બાદ તેઓ બાળકીને ફરી ગોવા લઇ ગયા હતા. બાળકીને કર્ણાટકની સ્કૂલમાં દાખલ કરાઇ હતી, જ્યાં એક વર્ષ રખાઇ હતી. 2015માં તેઓ મુંબઈ આવ્યા હતા અને અહીં જ રહેવા લાગ્યા હતા. આ સમયમાં તેને ઘરમાં બંધક રખાઇ હતી. તેની પાસે ઘરનાં કામો કરાવાતાં હતાં. તેને નાના બાળકોની સંભાળ રાખવાનું કામ સોંપાયું હતું, જેમાંથી આવતાં નાણાં આરોપીઓ લઇ લેતાં હતાં. આરોપી તેને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા, એવો આક્ષેપ કરાયો હતો.
(પીટીઆઇ)