કોર્ટે છેતરપિંડીના કેસમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઇના જામીન નકાર્યા
મુંબઈ: ભારતીય ક્રિકેટર હાર્દિક અને કુણાલ પંડ્યા સાથે પોલીમર બિઝનેસમાં રૂ. 4.25 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ધરપકડ કરાયેલા તેમના સાવકા ભાઇના કોર્ટે જામીન નકાર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ ગંભીર આર્થિક ગુનો હતો અને તેમાં સામે રકમ મોટી હતી.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં એપ્રિલ, 2024માં વૈભવ પંડ્યાની ધરપકડ કરી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.બી. શિંદેએ 10 મેના રોજ વૈભવ પંડ્યાની જામીન અરજી નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ પ્રારંભિક તબક્કામાં છે, આથી આરોપીને જામીન ન આપી શકાય.
આ પણ વાંચો : પ્રેમી સાથેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ બાળક પાસે કરાવ્યું: માતા-પ્રેમી સામે ગુનો
પોલીસે જણાવ્યું હતું કે પંડ્યા બંધુએ સાવકા ભાઇ વૈભવ સાથે મળીને ભાગીદારીમાં 2021માં એલએલપી કંપની સ્થાપી હતી અને પોલીમરનો બિઝનેસ શરૂ કર્યો હતો. ભાગીદારીની શરતો મુજબ પંડ્યા બંધુએ 40 ટકા, જ્યારે વૈભવે 20 ટકા રોકાણ કર્યું હતું. તેમની વચ્ચે એવું નક્કી થયું હતું કે વૈભવ વ્યવસાયની રોજિંદી કામગીરી સંભાળશે અને નફો સમાન હિસ્સામાં વહેંચવામાં આવશે.
દરમિયાન વૈભવે કરારનો ભંગ કર્યો હતો અને પંડ્યા બંધુને અંધારામાં રાખીને પોતાની માલિકીની કંપની સ્થાપીને એ જ વ્યવસાય શરૂ કર્યો હત. બાદમાં એલએલપીમાંથી વૈભવે પોતાની કંપનીમાં નાણાં ફેરવી નાખ્યાં હતાં. આને કારણે દેખીતી રીતે એલએલપીનો નફો ઓછો થયો હતો. ઉપરાંત હાર્દિક અને કુણાલની જાણ બહાર વૈભવે તેની નફાની ટકાવારી પણ વધારી દીધી હતી. આ માટે એલએલપીના કરાર પર તેણે પંડ્યા બંધુના બોગસ હસ્તાક્ષર કર્યા હતા. (પીટીઆઇ)