કુરિયર કંપની, સરકારી સંસ્થાના અધિકારીના સ્વાંગમાં વૃદ્ધા સાથે રૂ. 80 લાખની છેતરપિંડી
થાણે: વૈશ્વિક કુરિયર કંપની અને સરકારી સંસ્થાઓના અધિકારી હોવાનું જણાવીને દાણચોરીના કેસમાંથી બચાવવાને બહાને નવી મુંબઈની 63 વર્ષની વૃદ્ધા સાથે રૂ. 80 લાખની કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વીજ કંપનીમાંથી નિવૃત્ત થયેલી અને વાશી વિસ્તારમાં રહેતી વૃદ્ધાને 29 માર્ચે કૉલ આવ્યો હતો. ઇન્ટરનેશનલ કુરિયર કંપનીમાંથી બોલી રહ્યાનું જણાવી અજાણ્યા શખસે વૃદ્ધાને કહ્યું હતું કે તમારા નામે દાણચોરીનો માલ ધરાવતું પાર્સલ આવ્યું છે અને આ માટે સાયબર પોલીસમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો: શેર ટ્રેડિંગ કૌભાંડ: 33 લાખની છેતરપિંડી આચરવા બદલ ખાનગી બેન્કના અધિકારી, ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ
વૃદ્ધાને બાદમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાણા મંત્રાલયના નામે સ્કાઇપ એકાઉન્ટ થકી બોગસ પત્રો મોકલવામાં આવ્યા હતા અને આ પ્રકરણમાં તમારી ધરપકડ થશે, એવું વૃદ્ધાને જણાવાયું હતું.
બાદમાં કાનૂની કાર્યવાહીથી બચવા અને મિલકતના વેરિફિકેશનને નામે આરોપીઓએ વૃદ્ધાને રૂ. 80 લાખ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો
દરમિયાન પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં વૃદ્ધાએ મંગળવારે રાતે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)