થાણેમાં શેર ટ્રેડિંગ ફ્રોડમાં ભાઇ-બહેને 2.35 કરોડ રૂપિયા ગુમાવ્યા…

થાણે: ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર શેરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપીને 46 વર્ષની મહિલા અને તેના ભાઇ સાથે 2.35 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોશિયલ મીડિયા મારફત આરોપીના સંપર્કમાં આવ્યા હતા, જેણે તેમને શેરબજારમાં રોકાણ વિશે નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવતી હોવાનો દાવો કરતા અમુક વ્હૉટ્સઅરૂપ ગ્રૂપમાં ઍડ કર્યા હતા.
બંનેને બાદમાં મોબાઇલ પર લિંક મોકલાવીને ટ્રેડિંગ ઍપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું અને શેરબજાર તથા આઇપીઓમાં રોકાણ પર આકર્ષક વળતરની ખાતરી અપાઇ હતી.
દરમિયાન બંનેએ તેમને જણાવેલા વિવિધ બૅંક ખાતાંમાં 2.35 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે તેમણે જ્યારે નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઍપ ડિએક્ટિવેટ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે બાદમાં આરોપીનો સંપર્ક પણ કરી શક્યા નહોતા.
આ કેસની તપાસ કરી રહેલા સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ જ્ઞાનેશ્ર્વરે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી છે. આ ગુનામાં અનેક વ્યક્તિ સંડોવાયેલી હોવાની તેમને શંકા છે. (પીટીઆઇ)
આ પણ વાંચો…થાણેમાં લાંચના કેસમાં ડેપ્યુટી કમિશનર સહિત ત્રણને અદાલતી કસ્ટડી ફટકારાઇ…