પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને દંપતી સાથે 80 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…

થાણે: થાણે જિલ્લામાં દંપતીને પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી આપવાને બહાને 80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ પરની રિલેશનશિપ મોંઘી પડી! દુબઈથી આવેલા વરરાજાની જાન પહોંચી અને જોયું કે…
ઑગસ્ટ, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન છેતરપિંડી આચરવામાં આવી હતી અને આ પ્રકરણે ગુરુવારે ગુનો નોંધાયો હતો.
આરોપીઓની ઓળખ ગુજરાતના કલ્પિત અશોકભાઇ સોની (46) અને કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકી (33) તથા રાજસ્થાનના સુરેન્દ્રકુમાર કિશોરીલાલ શર્મા (40) તરીકે થઇ હતી.
કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આરોપીઓએ 46 વર્ષની મહિલા અને તેના પતિનો સંપર્ક સાધ્યો હતો અને તેમને પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી ખોલવા માટેની પરવાનગી અપાવવાની ખાતરી આપી હતી.
ઑગસ્ટ, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન આરોપીઓએ દંપતીને મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ફ્રેન્ચાઇઝીની તકો ઓફર કરી હતી. આરોપીઓએ વચન આપ્યું હતું કે તેઓ તેમને ગોલ્ડ લોન ફ્રેન્ચાઇઝી/માસ્ટર ફ્રેન્ચાઇઝી અને કૅશ મેનેજમેન્ટ સ્કીમ્સ અપાવશે. દંપતીએ આરોપીઓ પર વિશ્ર્વાસ કર્યો હતો અને 80 લાખ રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : 31મી ડિસેમ્બર સુધી હોટલ, પબ, ક્લબમાં જતી વખતે સાવચેત રહો…
રૂપિયા ચૂકવ્યા છતાં દંપતીને ન તો પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી માટેની અધિકૃતતા મળી, ન તો તેમના પૈસા પાછા મળ્યા. દરમિયાન પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં દંપતીએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)