સરકારી નોકરી અપાવવાને બહાને લાખોરૂપિયાની છેતરપિંડી: દંપતી વિરુદ્ધ ગુનો

થાણે: પુત્રીને સરકારી નોકરી અપાવવાને બહાને પિતા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ નવી મુંબઈના દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દંપતીની ઓળખ નીલકંઠ સુભાષ ગોસાવી (35) અને તેની પત્ની પ્રિયા તરીકે થઇ હોઇ શનિવારે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) તથા 316 (2) હેઠળ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઈમાં રહેતા દંપતીએ ફરિયાદી સાથે મિત્રતા કરી હતી અને ઑક્ટોબર, 2022થી પચીસમી એપ્રિલ, 2025 દરમિયાન તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
આપણ વાંચો: એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર તેના વારસાને ડિજિટાઇઝ કરશે…
દંપતીએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તેઓ તેમની ઓળખનો ઉપયોગ કરીને તેની પુત્રી માટે આવકવેરા વિભાગમાં સ્થાન મેળવી શકે છે. દંપતીએ બાદમાં ફરિયાદી પાસેથી 12 લાખ રૂપિયા લીધા હતા.
પૈસા ચૂકવ્યા બાદ ઘણા દિવસો વીતી ગયા છતાં નોકરી અંગે કોઇ હિલચાલ ન થતાં ફરિયાદીએ દંપતીનો સંપર્ક સાધ્યો ત્યારે તેઓ ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા. તેમણે ફરિયાદીના રૂપિયા પણ પાછા ચૂકવ્યા નહોતા, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. (પીટીઆઇ)