
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જણાયો છે. જૂન મહિનામાં ૫૫૧ કેસ નોંધાયા હતા, તેની સામે જુલાઈ મહિનામાં અત્યાર સુધી માત્ર ૮૧ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાની લહેર ધીમે ધીમે ઓસરી રહી છે, તેથી કોરોના નવા કેસમાં મોટો ઘટાડો જણાઈ રહ્યો છે.
મંગળવારે દિવસ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કોરોનાના માત્ર નવ કેસ નોંધાયા હતા, તેમાંથી મુંબઈમાં પાંચ, થાણેમાં ત્રણ અને પુણેમાં એક કેસ નોંધાયો હતો. રાજ્યમાં જાન્યુઆરીથી અત્યાર સુધી કોરોનાના કુલ ૨,૬૯૦ દર્દી નોંધાયા છે, જેમાં મુંબઈમાં આ સમયગાળા દરમ્યાન કુલ ૧,૦૭૩ દર્દી નોંધાયા હતા. રાજ્યમાં જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં અન્ય ગંભીર બીમારી ધરાવતા ૪૧ અને અન્ય એક એમ કુલ ૪૨ દર્દીનાં મોત થયા છે.
પહેલી જુલાઈથી ૨૨ જુલાઈ, ૨૦૨૫ મુંબઈમાં કોરોના કુલ ૮૧ નોંધાયા છે. તેની સામે મે મહિનામાં મુંબઈમાં ૪૩૫ અને જૂન મહિનામાં સૌથી વધુ ૫૫૧ કેસ કેસ નોંધાયા હતા. આ બે મહિનામાં કોરોના તેના પીક ટાઈમમાં હતો અને જુલાઈ મહિનામાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષમાં જાન્યુઆરીમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના એક, ફેબ્રુઆરીમાં એક, માર્ચમાં એક પણ કેસ નોંધાયો નહોતો. તો એપ્રિલમાં ચાર કેસ નોંધાયા હતા ત્યારબાદ મે મહિનામાં અચાનક જ કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. રાજ્યના સાર્વજનિક આરોગ્ય ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ મે અને જૂન મહિનામાં કોરોના તેના પીક ટાઈમમાં હતો. હવે જોકે ધીમે ધીમે કોરોનાની લહેર ઓછી થઈ રહી છે, તેથી છેલ્લા બે મહિનાની સરખામણીમાં જુલાઈમાં કોરોના નવા કેસમાં ધરખમ ઘટાડો જણાયો છે. છતાં નાગરિકોએ તકેદારી રાખવાની આવશ્યકતા છે.