થાણેમાં કન્ટેનરમાં ચાલતી શિવસેનાની શાખાને મુદ્દે વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનામાં ગયા વર્ષે પડેલા ભંગાણ બાદ શાખાની માલિકી કોની તેના પરથી શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે વિવાદ થઈ રહ્યો છે અને તેમાં હવે થાણે શહેરમાં ફૂટપાથ પર શિંદે જૂથે કન્ટેનરમાં ઊભી કરેલી શિવસેનાની શાખા સામે કાર્યવાહી કરવાની માગણી ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ શિંદે જૂથે આ કન્ટેનર વ્યાવસાયિક ઉપયોગ માટે નહીં, પરંતુ નાગરિકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે હોવાની દલીલ કરી છે. હવે કન્ટેનર શાખાને મુદ્દે બંને જૂથો સામસામે આવી ગયા હોવાનું સ્પષ્ટ થયું છે.
ફૂટપાથ પર કન્ટેનરમાં શાખા બનાવવામાં આવી હોવાથી નાગરિકોને હાલાકી થઈ રહી હોવાનું જણાવતાં તેની સામે ફરિયાદ કરવા છતાં કાર્યવાહી થતી ન હોવાનો આરોપ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.
ઠાકરે જૂથનું સમર્થન કરી રહેલા સંસદસભ્ય રાજન વિચારે સહિત કેટલાક ભૂતપૂર્વ નગરસેવકો આની પહેલાં પણ કેટલાક મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સમર્થકો સાથે બાખડ્યા છે. શાખા પર કબજો જમાવવાના મુદ્દે તો બંને જૂથો વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળ્યો હતો.
થાણેના મનોરમાનગર અને શિવાઈનગર વિસ્તારમાં બંને જૂથો વચ્ચે વારંવાર ઘર્ષણ થઈ રહ્યું છે અને તેને કારણે થાણેમાં અશાંતી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.