OC આપવા મુદ્દે વિવાદઃ મીરા ભાયંદરમાં કમિશનર અને થાણે કલેક્ટર આમનેસામને
મુંબઈઃ મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)ના કમિશનર અને થાણેના કલેક્ટર વચ્ચે મીરા રોડના એક હાઉસિંગ કોમ્પ્લેક્સની બિલ્ડિંગને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવા મામલે વિવાદ વકર્યો છે. આ હાઉસિંગ કૉમ્પ્લેક્સ અર્બન લેંડ સિલિંગ (ULC) હેઠળ આવે છે.
થાણેના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર અશોક શિંગારેએ આ મામલે જણાવ્યું હતું કે જમીન માલિકે બાંધકામ સંબંધિત તમામ બાબતો માટે એનઓસી મેળવવા માટે પહેલા અરજી સબમિટ કરવી જોઇએ. આ અરજી MBMCને સબમિટ કરવી જોઇએ. જોકે, MBMCના વડા સંજય કાટકરે ભિન્ન મત જણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિયમ આ પ્રોજેક્ટ પર લાગુ કરી શકાય નહીં. તેમણે બિલ્ડિંગને એનઓસી આપવા માટે કલેક્ટરનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
મીરા ગાંવમાં આ કોમ્પ્લેક્સમાં 82 હજાર ચોરસ મીટરની જમીન પર 60 બિલ્ડિંગ આવેલા છે. તેમાંથી સેક્ટર પાંચની એક બિલ્ડિંગ સિવાય તમામ બિલ્ડિંગને ઓસી મળી ગયું છે. માત્ર સેક્ટર પાંચના 9નંબરના બિલ્ડિંગને ઓસી મળ્યું નથી. 6 જાન્યુઆરી 2023ના રોજ આ બિલ્ડિંગની ઓસી નકારી કાઢવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડિંગના રહેવાસી રાજેશે MBMCના વડા અને કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ પત્રના જવાબમાં તેમને જાણવા મળ્યું હતું કે જમીન માલિકે કલેક્ટરની સંમતિ લીધી નથી અને MBMCને ઓસી આપવા માટે કલેક્ટરની પરવાનગી મળી નથી.
8 જાન્યુઆરી 2023ના બિલ્ડિંગના રહેવાસી રાજેશે થાણે કલેક્ટર અને MBMCના કમિશનર સંજય કાટકરને પત્ર લખ્યો હતો. 22 ફેબ્રુઆરી, 2024ના રોજ કાટકરે જવાબ આપ્યો હતો કે MBMCએ ઓસી આપવા માટે કલેક્ટરની મંજૂરીની જરૂર નથી.
આ પણ વાંચો : આ કારણે સોમવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) માં થયો હંગામો
ત્યાર બાદ 4 નવેમ્બર, 2024ના રોજ કલેક્ટરે તમામ નાગરી પ્રશાસનોને તેમની એનઓસી વિના બાંધકામની મંજૂરી કે ઓસી જારી કરવાનું બંધ કરવા માટે અને જારી કરાયેલી ઓસી પર સ્ટે મૂકવાનો આદેશ જારી કર્યો હતો. હવે મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને થાણેના કલેક્ટર વચ્ચેના મતભેદોમાં બિલ્ડિંગની ઓસીનો પ્રશ્ન કોણ અને ક્યારે ઉકેલશે તે જોવાનું રહેશે.