મુંબઈમાં ચાર જગ્યાએ કબુતરો માટે સવારના ૭ થી ૯ કંટ્રોલ ફીડિંગની મંજૂરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં ચાર જગ્યાએ કબુતરો માટે સવારના ૭ થી ૯ કંટ્રોલ ફીડિંગની મંજૂરી

નિષ્ણાતોનો અહેવાલ આવે અને કોર્ટનો આદેશ આવે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાઈ કોર્ટના આદેશ બાદ બંધ કરવામાં આવેલા કબુતરખાનાને મુદ્દે નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મગાવીને વચગાળાનો નિર્ણય લેવાનો નિર્દેશ કોર્ટે આપ્યો છે. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ કામચલાઉ વ્યવસ્થા તરીકે મુંબઈમાં ચાર જગ્યાએ સવારના સાતથી નવ વાગ્યા સુધી કબૂતરોને કંટ્રોલ ફીંડિંગ માટે મંજૂરી આપી છે. જયાં સુધી નિષ્ણાતોનો અહેવાલ અને હોઈ કોર્ટનો આદેશ આવે નહીં ત્યાં સુધી આ કામચલાઉ વ્યવસ્થા રહેશે.

પાલિકા દ્વારા મુંબઈમાં ચાર જગ્યા કબુતરો માટે કંટ્રોલ ફીડિંગ માટે જાહેર કરવામાં આવી છે, જેમાં જી-દક્ષિણ વોર્ડમાં વરલી જળાશય, કે પશ્ર્ચિમ વોર્ડમાં અંધેરી પશ્ર્ચિમમાં વેસાવે એસટીપી પ્રોજેક્ટ નજીક, લોખંડવાલા બૅક રોડ પર મેનગ્રોવ્ઝ પરિસર, ટી વોર્ડમાં મુલુંડ પૂર્વમાં મુલુંડ જકાત નાકા પાસે ઐરોલી-મુલુંડ લિંક રોડ અને આર-સેન્ટ્રલ વોર્ડમાં બોરીવલી પશ્ર્ચિમમાં ગોરાઈ મેદાનનો સમાવેશ થાય છે. આ ચાર ઠેકાણે કબુતરખાના માટે મંજૂરી આપવાનો વચગાળાનો નિર્ણય પાલિકાએ લીધો છે. હજી સુધી પાલિકાએ કબુતરખાના શરૂ કરવા માટે મંજૂરી આપી નથી. જે કબુતરખાના બંધ છે, તે બંધ જ રહેશે એવી સ્પષ્ટતા પણ પાલિકાએ કરી છે.

પાલિકાના જણાવ્યા મુજબ આ ચારે ઠેકાણે કબુતરોને નિયંત્રિત સમયમાં એટલે કે સવારના સાતથી નવ વાગ્યા સુધી ચણ નાખવા માટે મંજૂરી આપી છે. અન્ય કોઈ પણ સમયે અહીં ચણ નાખી શકાશે નહીં. ચારે જગ્યા પર કબુતરખાનાનું વ્યવસ્થાપન કરવા માટે સ્વયંસેવી સંસ્થા આગળ આવી તો જ આ મંજૂરી આપવામાં આવશે.

કબુતરોને ચણ આપતા સમયે વાહનો અથ્ાવા રાહદારીઓને કોઈ અડચણ થવી જોઈએ નહીં અને કબુતરખાનાની જગ્યા સંપૂર્ણ સ્વચ્છ રાખ્ાવાની અને નાગરિકોની ફરિયાદની નોંધ લઈને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. તે માટે સંબંધિત સંસ્થા પાસેથી લેખિત બાંયધરી લેવામાં આવશે. કબુતરખાનાના વ્યવસ્થાપનમાં સંબંધિત પ્રશાસકીય વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર એ નોડલ ઓફિસર હશે. કબુતરખાનાના પરિસરમાં આરોગ્ય વિષયમાં જનજાગૃતિ માટે બોર્ડ પણ બેસાડવું પડશે.

આ દરમ્યાન કબુતરખાના માટે નાગરિકો પાસેથી પાલકિાને ૯,૭૭૯ સૂચનો અને વાંધા તથા ફરિયાદો આવી છે, જેમાં કબુતરખાના બંધ કરવા, ચાલુ રાખવા, સ્વચ્છ રાખવા, કંટ્રોલ ફીડિંગ જેવી બાબતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…વાંધા-વિરોધ ધ્યાનમાં લીધા પછી જ બે કલાક ચણનો નિર્ણય લેવો જોઈએ: હાઈ કોર્ટ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button