બાળકોની સુરક્ષા કાજે કંટ્રોલ રૂમ! પાલિકાનો નવો ફોર્મ્યુલા…
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ પર થયેલા અત્યાચારના પડઘા મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં પડ્યા હતા અને તેને પગલે બાળકોની સુરક્ષા વિશે પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા હતા. પાલિકાએ પણ શાળામાં ભણતાં બાળકોની સુરક્ષા માટે અમુક પગલાં લેવાના શરૂ કર્યા છે.
આ પણ વાંચો : બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો સૂચવો…
પાલિકા દ્વારા બાળકોની સુરક્ષા માટે તેમ જ તેમના પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પાલિકાએ વિશેષ સેન્ટ્રલ સ્કુલ ક્ધટ્રોલ રૂમ શરૂ કર્યો છે જેના દ્વારા બાળકોની સુરક્ષા પર નજર રાખવામાં આવી રહી છે. પાલિકાની દરેક શાળાઓમાં આ માટે સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે.
થાણે જિલ્લાના મીરા-ભાયંદર નગરપાલિકા દ્વારા લેવામાં આવેલા આ પગલાંને ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યું છે અને મુંબઈની દરેક શાળાઓમાં પણ આ રીતે સીસીટીવી કેમેરા બેસાડવામાં આવે તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : બોમ્બે હાઈ કોર્ટમાં એવું કંઈક બન્યું કે સિંગાપોરની સુપ્રીમ કોર્ટના ત્રણ જજ બન્યા હિસ્સો
ઉલ્લેખનીય છે કે પાંચમી સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે વર્ચ્યુઅલી આ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કંટ્રોલ રૂમ અત્યંત આધુનિક છે અને યુપીએસ બેક અપ જનરેટરથી સજ્જ છે. એકસાથે 1,000 સીસીટીવી કેમેરા આ કંટ્રોલ રૂમ દ્વારા મોનિટર કરી શકાય છે, એમ મીરા-ભાયંદર પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.
સીસીટીવી કેમેરા દ્વારા બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે તેમ જ તેમની સાથે કોઇ ગેરવર્તન નથી થઇ રહ્યું કે કોઇ અયોગ્ય પ્રવૃત્તિ નથી થઇ રહી તેના પર પણ નજર રાખી શકાશે.