મેટ્રોના કામમાં ઢીલ કરનાર કૉન્ટ્રેક્ટર હવે દંડાશે એમએમઆરડીએની નવી મૅનપાવર પૉલિસી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૧૫૦ કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોરને ચાલુ કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ (એમએમઆરડીએ) તૈયારી કરી રહ્યું છે ત્યારે કામમાં થઈ રહેલા વિલંબને રોકવા માટે અને પ્રોજેક્ટને ડેડલાઈનમાં પૂરો કરવા માટે એમએમઆરડીએ ઓથોરિટીએ હવે કૉન્ટ્રેક્ટરોની સામે આંખ લાલ કરી છે.
કૉન્ટ્રેક્ટર સમયસર કામ પૂરું કરે તે માટે મૅનપાવર મોબિલાઈઝેશન પૉલિસી લાગુ કરી છે, જે અતંગર્ત કૉન્ટ્રેક્ટરને ઓછા કર્મચારીને કારણે કામમાં થઈ રહેલા વિલંબ માટે જવાબદાર ગણવામાં આવશે અને તેના કામમાં શિસ્તતા લાવવા માટે મેટ્રોનાં કામના ઈતિહાસમાં પહેલી વખત કૉન્ટ્રેક્ટરને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કે જેઓ એમએમઆરડીએના અધ્યક્ષ પણ છે, તેમણે પણ પૉલિસીને સમર્થન આપ્યું છે.
નવી પૉલિસી હેઠળ હવે કૉન્ટ્રેક્ટરને આકરો દંડ કરવો ફરજિયાત રહેશે. પ્રોજેક્ટ સાઈટ્સ પર પચીસથી ૫૦ ટકા સુધી માનવબળની અછત માટે દૈનિક એક લાખ રૂપિયાનો દંડ થશે જ્યારે ૫૦ ટકાથી વધુ થવા પર દૈનિક બે લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. વધુમાં પ્રોજેક્ટની કી ડેટ એટલે કે નક્કી કરેલી તારીખમાં કામ કરવામાં નિષ્ફળ જવા માટે વધારાનો દંડ લાગશે.
મેટ્રો લાઈન ટૂ-બી, મેટ્રો ફાઈવ, મેટ્રો સિક્સ, મેટ્રો-સેવન એ અને મેટ્રો નાઈન જેવા મેટ્રો કોરિડોરના બાંધકામ અને તેના ટ્રાયલ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છે, તેથી આ પૉલિસી કામની ઝડપ જાળવી રાખવા અને કામમાં વિલંબ અટકાવવા માટે ફાયદાકારક સાબિત થશે.
એમએમઆરડીએના કમિશનર સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે દરેક મેટ્રો પૅકેજ માટે અમે ડેડીકેટેડ ટીમ લીડરની નિમણૂક કરી છે, જેનાથી સાઈટની પ્રગતિમાં નોંધપાત્ર ફરક પડયો છે. આ નવી પૉલિસીને કારણે વર્ષના અંત સુધીમાં જુદા જુદા મેટ્રો કોરિડોર ચાલુ કરવામાં આવવાના છે. અમે ફક્ત ઝડપથી જ નહીં પણ સ્માર્ટલી કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો….‘અંગ્રેજીની પ્રશંસા કરવી અને ભારતીય ભાષાઓને ધિક્કારવી એ યોગ્ય નથી’: દેવેન્દ્ર ફડણવીસ