સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાના કામનું ઑક્ટોબરમાંં મૂરત, ૨૪૦ દિવસમાં કામ પૂરું કરવાનો કૉન્ટ્રેક્ટરોને આદેશ:
ગુણવત્તા જાળવી રાખવા આઈઆઈટી-બોમ્બેની લેવાશે મદદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડા-મુક્ત કરવા માટે બે તબક્કામાં સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પહેલા તબક્કા હેઠળના ૩૨૪ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટીકરણનું અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થયું છે અને હવે બાકીનું કૉંક્રીટાઈઝેશનનું કામ ચોમાસું પૂરું થયા બાદ એટલે કે ઑક્ટોબર ૨૦૨૪થી ચાલુ કરવામાં આવશે અને મે, ૨૦૨૫ સુધીમાં પૂરું કરવા માટે સુધરાઈએ ખાસ યોજના બનાવી છે. બહુ જલદી બીજા તબક્કાનું કૉંક્રીટીકરણનું કામ પણ હાથ ધરવામાં આવવાનું છે. એ સાથે જ રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામની ગુણવત્તા જણવાઈ રહે તે માટે આઈઆઈટી બોમ્બેની નિમણૂક કરવામાં આવી છે.
શહેરને ખાડામુક્ત બનાવવાના પ્રયાસરૂપે સુધરાઈએ તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલુ કર્યું છે. ગયા વર્ષે ૬,૦૮૦ કરોડ રૂપિયાના કૉન્ટ્રેક્ટ પાંચ કંપનીઓને આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો કૉન્ટ્રેક્ટ ગણવામાં આવે છે. જોકે દક્ષિણ મુંબઈના રસ્તાઓ માટે ૧,૬૦૦ કરોડનો કૉન્ટ્રેક્ટ શરૂઆતમાં રોડવેઝ સોલ્યુશન ઈન્ફ્રા ઈન્ડિયા લિમિટેડને (આરએસઆઈઆઈએલ)આપવામાં આવ્યો હતો, તેને રદ કરવામાં આવ્યો હતો, તેને કારણેે પાલિકાએ નવી બિડ બહાર પાડી હતી. ત્યારબાદ સૌથી ઓછી બોલી લગાવનાર સાથે વાટાઘાટો કર્યા બાદ પાલિકા આગળ વધી હતી. જૂન સુધીમાં પૂર્વ પશ્ર્ચિમ ઉપનગરમાં માત્ર ૩૦ ટકા કૉંક્રીટાઈઝેશનનું કામ પૂરું કર્યું થયું હતું.
એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુંબઈમાં તમામ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ કરવા માટે પહેલા તબક્કામાં ૩૯૨ કિલોમીટર તો બીજા તબક્કામાં ૩૦૯ કિલોમીટર એમ કુલ મળીને ૭૦૧ કિલોમીટર રસ્તાના કૉંક્રીટાઈઝેશના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેમાં શહેર, પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરના રસ્તાઓનો સમાવેશ થાય છે. પહેલા તબક્કાના બાકી રહેલા રસ્તાના કામ ચોમાસું પૂરું થવાની સાથે જ એટલે કે પહેલી ઑક્ટોબર, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે અને ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં પૂરું કરવામાં આવશે. એ સાથે જ બીજા તબક્કાના બાકી રહેલાં કામ પણ હાથ ધરવામાં આવવાના છે. કૉંક્રીટાઈઝેશનના કામ વિલંબ થવા પાછળ ગેસ લાઈન, પાણીની લાઈન, વીજ લાઈન, સ્યુએજ લાઈન જેવી યુટિલિટિઝની લાઈન પણ જવાબદાર છે. યુટિલિટીઝન લાઈનને કારણે બધી એજન્સીઓ સાથે સમન્વય સાધીને કામ કરવામાં પણ અમુક વખતે વિલંબ થતો હોય છે.
સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા બનાવવા માટે રસ્તો ખોદવાથી લઈને કામ પૂરું થઈને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તે માટે સાધારણ રીતે ૩૦થી ૪૫ દિવસનો સમય લાગતો હોય છે. તેથી એક જ વિસ્તારમાં પહેલા અને બીજા તબક્કાના રસ્તાના કામ સાથે જ ચાલુ કરવામાં આવે અને નાગરિકોને હેરાનગતી ના થાય તેની પૂરતી કાળજી લેવા માટે કૉંન્ટ્રેક્ટરોને કહેવામાં આવ્યું હોવાનું જણાવતા અભિજિત બાંગરે વધુમાં કહ્યું હતું કે દરેક વોર્ડના સબ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોને તેમના વિસ્તારના પહેલા અને બીજા તબક્કાના કૉંક્રીટીકરણ માટેના રસ્તાની યાદી બનાવવાની રહેશે અને આયોજન કરીને કામ હાથ ધરવાના રહેશે. શહેરમાં રસ્તાના કામ અટવાઈ ગયા હતા. પરંતુ શહેરના પહેલા અને બીજા તબક્કાના કામ લગભગ સાથે જ લેવામાં આવવાના છે.
આઈઆઈટી-બોમ્બેની રહેશે નજર
એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે સિમેન્ટ-કૉંક્રીટના કામની ગુણવત્તા સારી રહે તે માટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી-બોમ્બેની નિમણૂક કરવામં આવી છે. રસ્તાના કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કૉંક્રીટ પ્લાન્ટથી કૉંક્રીટ રસ્તા પર ક્યુરિંગ કરવા સુધીના કામનો સમાવેશ રહેશે. જુદા જુદા પરીક્ષણના માધ્યમથી કામની ગુણવત્તા તપાસવામાં આવશે. અધિકારી અને કૉન્ટ્રેક્ટરને ગુણવત્તા બાબતે માર્ગદર્શન કરવાની જવાબદારી પણ આઈઆઈટી-બોમ્બેની રહેશે. આવતા અઠવાડિયામાં પાલિકા અને આઈઆઈટી-બોમ્બે વચ્ચે એમઓયુ કરવામાં આવશે.
Also Read –