ડાયમંડ કંપનીની કર્મચારીની સતત સતામણી: યુવક સામે ગુનો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ડાયમંડ કંપનીમાં કામ કરનારી મહિલાનો સાત મહિનાથી પીછો કરવા બદલ 34 વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની ચેતવણી અને પબ્લિક દ્વારા એક વખત માર મારવામાં આવ્યો હોવા છતાં આરોપી તેનો પીછો કરી રહ્યો હતો. આરોપીની ઓળખ વિકી રાજેશ ગુપ્તા તરીકે થઇ હોઇ તે નાલાસોપારાનો રહેવાસી છે. 27 વર્ષની ફરિયાદી મહિલા સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે અને દક્ષિણ-મધ્ય મુંબઈમાં રહે છે. આરોપી જાન્યુઆરીથી તેનો પીછો કરી રહ્યો હતો.
ઓફિસ જવા માટે પ્રવાસ દરમિયાન ગુપ્તા કેટલાક સમયથી પીછો કરી રહ્યો છે, એવું મહિલાને જણાયું હતું. તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બસ ડેપોથી ચર્ની રોડ જવા માટે બેસ્ટની બસ પકડતી હતી. આરોપી પણ અનેક વાર એ જ બસ પકડતો હતો.
જાન્યુઆરીમાં એક દિવસે આરોપીએ મહિલાનો હાથ પકડી લીધો હતો અને પછીના દિવસે તેનો પીછો કરીને સીએસએમટી બસ ડેપો નજીક જોવા મળ્યો હતો. મહિલાએ મદદ માટે બૂમો પાડતાં રાહદારીઓએ ગુપ્તાને પકડીને માર માર્યો હતો.
16 જાન્યુઆરીએ ફરી મહિલાએ જે બસ પકડી તેમાં ગુપ્તા પણ ચઢી ગયો હતો. મુશ્કેલી જણાતાં મહિલાએ ઓફિસના સહકર્મીઓને ફોન કરી ચર્ની રોડ બસ સ્ટોપ પર બોલાવી લીધા હતા. તેમણે ગુપ્તાને પકડી પાડ્યો હતો અને ડી.બી. માર્ગ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેને ચેતવણી આપીને છોડી દીધો હતો.
અગાઉ આ મહિને આરોપી ફરીથી મહિલાનો પીછો કરવા લાગ્યો હતો. બુધવારે તે ચર્ની રોડથી સીએસએમટી બસ સ્ટોપ સુધી પાછળ આવ્યો હતો. આખરે મહિલાએ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)