CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત
મુંબઈ: મધ્ય રેલવે (Cenrtal Railway)માં રાતના ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ટ્રેન સેવા પર ગંભીર અસર પડી છે. કલ્યાણ રેલવે સ્ટેશને લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે પણ આ બનાવમાં કોઈ જખમી થયું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આજે રાતના નવ વાગ્યાના સુમારે કલ્યાણમાં ટ્રેન ડીરેલ થઈ. જોકે કલ્યાણથી સીએસએમટી જનારી લોકલ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન સેવા ખોડંગાઈ જવાના અહેવાલ છે. છાશવારે ખોટકાઈ જતી મધ્ય રેલવેમાં રાતના ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા હજારો લોકો રખડી પડ્યા હતા. રાતના અમુક ટ્રેનો રદ કરવાને કારણે ટ્રેનોમાં ભીડ વધતા સિનિયર સિટીઝન સહિત અન્ય પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. ટિટવાલાથી સીએસએમટીથી જનારી લોકલ કલ્યાણમાં બે નંબરના પ્લેટફોર્મ પર જતા એક કોચ પાટા પરથી ઊતરી જવાને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે, જ્યારે મરમ્મત કામગીરી હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલના તબક્કે અસરગ્રસ્ત કોચને અલગ કરવામાં આવ્યો છે અને derailment અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
આ અગાઉ રવિવારે પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ખાતે પણ લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી જવાને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી.