શક્તિ કાયદાની જોગવાઈઓ પર વિચારણા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે સરકારના વિભાગો મહિલા અત્યાચારને રોકવા માટે બનાવવામાં આવેલા શક્તિ બિલની જોગવાઈઓની સમીક્ષા કરી રહ્યા છે જેથી કેન્દ્ર સરકારના કાયદા કરતાં તેને વધુ મજબૂત બનાવી શકાય.
નાગપુર અધિવેશનમાં વિધાન પરિષદમાં તેમણે કહ્યું હતું કે મહત્ત્વની વસ્તુ એ છે કે શક્તિ કાયદાની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટે પોતાના વિવિધ ચુકાદામાં આપેલી માર્ગદર્શિકાઓમાં વિરોધાભાસ ન સર્જાય તેનું ધ્યાન રાખવાનું છે.
એનસીપીના વિધાનસભ્ય અમોલ મીટકરી દ્વારા ઉપસ્થિત કરાયેલા સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.
2020માં મંજૂર કરવામાં આવેલો શક્તિ કાયદો આંધ્ર પ્રદેશના દિશા કાયદા પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો હતો. ડિસેમ્બર-2021માં તેને રાજ્ય વિધાનમંડળની મંજૂરી આપી દેવામાં આવી હતી અને ગયા વર્ષે તેને રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવ્યો હતો, એવી માહિતી ફડણવીસે આપી હતી.
કેન્દ્ર સરકાર હવે મહિલા સુરક્ષા માટે નવા કાયદા ભારતીય દંડ સંહિતા અને ક્રીમીનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)માં સમાવિષ્ટ કરવાની પ્રક્રિયા કરી રહી છે.
સાત થી આઠ અલગ અલગ વિભાગો શક્તિ કાયદાની જોગવાઈઓની અસર અને કેન્દ્ર સરકારના કાયદાના માળખાનો અભ્યાસ કરીને શક્તિ કાયદાને કેન્દ્ર સરકાર કરતાં મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.