કૉંગ્રેસ બજેટના 15 ટકા લઘુમતીઓને ફાળવવા માગતી હતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નાશિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એવો આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાન દેશના કુલ બજેટના 15 ટકા રકમ લઘુમતી કોમને ફાળવવા માગતી હતી અને આ ખર્ચનું વિભાજન પણ તેમને માન્ય નહોતું. આવી જ રીતે ધર્મને આધારે નોકરીઓ અને શિક્ષણમાં પણ અનામત આપવા માગતા હતા.
ઉત્તર મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પિંપળગાંવ બસવંત ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ધર્મને આધારે ફાળવણી કરવાનું અત્યંત જોખમી હતું. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ધર્મને આધારે નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ આપવાના સખત વિરોધી હતા.
મોદીએ એવો દાવો કર્યો હતો કે જ્યારે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે કૉંગ્રેસ બજેટમાં 15 ટકા ધર્મને આધારે ફાળવણીનો પ્રસ્તાવ લઈને આવી હતી. ભાજપે ત્યારે આ પગલાંનો તીવ્ર વિરોધ કર્યો હતો અને તેથી જ તેને અમલમાં મૂકી શકાયો નહોતો. હવે કૉંગ્રેસ ફરી એક વખત આ પ્રસ્તાવ લાવવા માગે છે.
આ પણ વાંચો : ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ તોડી નહીં શકે: એકનાથ શિંદે
તેમણે એમ પણ કહ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર ધર્મને આધારે આરક્ષણ આપવાના સખત વિરોધી હતા, પરંતુ કૉંગ્રેસ એસસી/એસટી/ઓબીસી સમાજના અનામતના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા માગે છે. મોદી વંચિત સમાજના અધિકારોના ચોકીદાર છે અને તેઓ ક્યારેય કૉંગ્રેસને વંચિત સમાજના અધિકારો છીનવી લેવા દેશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ વખતની ચૂંટણી દેશને માટે આકરા નિર્ણયો લઈ શકે એવા મજબૂત વડા પ્રધાનને માટેની છે. છેલ્લા દસ વર્ષમાં મફત રેશન, પાણી, વીજળી, ઘરો અને ગેસ જોડાણો ધર્મના કોઈપણ ભેદભાવ વગર આપ્યા છે. કલ્યાણ યોજનાઓ બધા માટે છે, એમ તેમણે ભારપુર્વક કહ્યું હતું.
શરદ પવારનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના એક નેતા સારી રીતે જાણે છે કે કૉંગ્રેસ અત્યંત ખરાબ રીતે હારી રહી છે અને તેથી જ તેઓ એવું સૂચન કરે છે કે નાની પાર્ટીઓએ કૉંગ્રેસમાં વિલીન થઇ જવું જોઈએ, જેથી વિપક્ષ તરીકે તેઓ ઊભા રહી શકે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે નકલી શિવસેના કૉંગ્રેસમાં વિલીન થઈ જશે ત્યારે મને બાળ ઠાકરે યાદ આવશે કેમ કે તેઓ એવું સપનું જોયું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને બંધારણની કલમ 370 નાબુદ કરી નાખવામાં આવે. (પીટીઆઈ)