આમચી મુંબઈ

એમવીએમાં ભંગાણ: કૉંગ્રેસ મુંબઈમાં અલગ અને એકલી લડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે દરેક પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ભંગાણ પડવાના એંધાણ જોવા મળ્યા છે.

એઆઈસીસીના મહાસચિવ અને મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ શનિવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ મુંબઈ મહાનગરપાલિકામાં એકલેપંડે ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં અનેક મનપા-પાલિકા-પંચાયતમાં મહાવિકાસ આઘાડી ગઠબંધન અકબંધ રહેશે એવી શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે કૉંગ્રેસની બેઠક થઈ હતી, જેમાં મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડ, એઆઈસીસીના મહાસચિવ રમેશ ચેન્નીથલા અને મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ હાજર હતા.

આપણ વાચો: અજિત પવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે તૈયારીઓનો તાગ મેળવ્યો

આ બેઠકમાં મુંબઈના સ્થાનિક નેતાઓએ મુંબઈ મનપાની ચૂંટણી સ્વબળે લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને વર્ષા ગાયકવાડે આ સંબંધેનો એક પત્ર રમેશ ચેન્નીથલાને આપ્યો હતો. હવે આ પત્ર પાર્ટીના મોવડીમંડળને દિલ્હીમાં આપવામાં આવશે અને તેઓ અંતિમ નિર્ણય લેશે એમ પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

વર્ષા ગાયકવાડે શનિવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની આગામી ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટીની એક બેઠકને સંબોધતા તેમણે પાર્ટી કાર્યકરોને ‘બીએમસીમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવવા’નો સંકલ્પ લેવાની હાકલ કરી હતી અને બધી જ 227 બેઠકો માટેની તૈયારીમાં લાગી જવા કાર્યકર્તાઓને જણાવ્યું હતું.

આપણ વાચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં ભાજપની મુશ્કેલીઓ વધી?

ગાયકવાડે એઆઈસીસીના મહાસચિવ રમેશ ચેન્નીથલા અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલ સહિત વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરે પાલિકાની ચૂંટણીમાં હાથ મિલાવે એવી શક્યતા વચ્ચે કોંગ્રેસનો એક વર્ગ રાજ ઠાકરે સાથે જોડાણ કરવાનો વિરોધ કરી રહ્યો છે, કારણ કે તેમનું વલણ ઉત્તર ભારતીય સ્થળાંતર કરનારાઓ સામે આક્રમક છે.

પત્રકારોએ ચેન્નીથલાને જ્યારે પૂછ્યું કે શું પાર્ટી બીએમસીની ચૂંટણીમાં એકલા લડશે, ત્યારે તેમણે કહ્યું હતું કે આવા નિર્ણયો સ્થાનિક એકમો પર છોડી દેવામાં આવ્યા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button