આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં હવે આમ જ નહીં મળી જાય ટિકિટ, કૉંગ્રેસ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષોએ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતાઓના આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલુ થઇ ગયો છે. કોંગ્રેસે પણ પોતાની રીતે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે કોંગ્રેસે ટિકિટ વહેંચણીને લઈને નવી સિસ્ટમ તૈયાર કરી છે. જેમાંથી તમામ ઉમેદવારોએ પસાર થવું પડશે. પાર્ટીએ તમામ રસ ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસ તેના ઉમેદવારોને આમ જ ટિકિટ આપશે નહીં. તેના માટે ઉમેદવારોએ પહેલા તેમનો ઈન્ટરવ્યુ આપવાનો રહેશે. તેમાં તેઓ સફળ થશે તો જ મામલો આગળ વધશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકો માટે, કોંગ્રેસના 1,688 થી વધુ ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે રસ દાખવ્યો છે. પરિણામે, પાર્ટીએ નક્કી કર્યું છે કે ટિકિટ વિતરણ પહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. મહા વિકાસ અઘાડી ગઠબંધનની સભ્ય કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને શરદ પવારની આગેવાનીવાળી એનસીપી જૂથ સાથે મળીને ચૂંટણી લડશે.

પાર્ટીએ ઇન્ટરવ્યુ હાથ ધરવા માટે ટીમની રચના કરી છે, જેઓ 1 થી 8 ઓક્ટોબર દરમિયાન ઇચ્છુક ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે.આ ટીમો 10 ઓક્ટોબરે પ્રદેશ કોંગ્રેસને તેમનો અહેવાલ સુપરત કરશે. મુંબઇના મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ નોર્થ ઈસ્ટ મતદારક્ષેત્રમાં કૉંગ્રેસ તરફથી ઉમેદવારી કરવા ઇચ્છુક લોકોના ઇન્ટરવ્યુ કૉંગ્રેસના નેતા સંગ્રામ થોપટે લેશે અને મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ દક્ષિણ મતદારક્ષેત્રમાં કૉંગ્રેસ તરફથી ઉમેદવારી કરવા ઇચ્છુક લોકોના ઇન્ટરવ્યુ કૉંગ્રેસના નેતા સતેજ ઉર્ફે બંટી પાટીલ લેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button