આજે નાગપુરમાં કૉંગ્રેસની રેલી
નાગપુર: કૉંગ્રેસ આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરવા સજ્જ છે. પક્ષના ૧૩૯માં સ્થાપના દિન નિમિત્તે આજે (૨૮ ડિસેમ્બરે) મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ’હૈં તૈયાર હમ’ની વિશાળ પાયે આયોજિત રેલીથી એની શરૂઆત કરવામાં આવશે. રેલીના સ્થળ પર આયોજિત પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે દેશની જનતા માટે આ ઐતિહાસિક ક્ષણ હશે. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી રેલીને સંબોધન કરશે એમ પક્ષના નેતાગણે જણાવ્યું છે. કૉંગ્રેસની આ જંગી રેલીનું વિશિષ્ટ મહત્ત્વ એટલા માટે છે કે એનું આયોજન નાગપુરમાં થઈ રહ્યું છે. નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું વડું મથક છે તેમજ અહીં ડૉ. બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ ‘દીક્ષાભૂમિ’ પણ નાગપુરમાં જ આવેલી છે. નાગપુરના પક્ષના વિધાનસભ્ય નીતિન રાઉતે પીટીઆઈને મંગળવારે જણાવ્યું હતું કે આ રેલી માટેનો ‘હૈં તૈયાર હમ’નો નારો દેશભરમાં ગુંજી ઉઠશે. આ સાથે આવતા વર્ષે આયોજિત લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના પ્રચારનો પ્રારંભ થશે.’ નાના પટોલેએ જણાવ્યું હતું કે ‘કટોકટી પછી તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ નાગપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી અને વિદર્ભની બધી બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો.’ (પીટીઆઈ)