કૉંગ્રેસના મુસ્લિમ નેતાએ ઉદ્ધવસેનાના બૉયકોટની હાકલ કરતા ખળભળાટ
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 29 ઑક્ટોબર છે. એટલે આવતીકાલ બાદ નેતાઓ અને ઉમેદવારો જનતાને કઈ રીતે રિઝવવી તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. દરેકનો દરેક વિધાનસભાના મતદારોને ધર્મ અને જાતિ પ્રમાણે પણ વિભાજીત કરતા હોય છે. ભાજપ અને સાથી પક્ષો હિન્દુવાદી પક્ષો હોવાથી કૉંગ્રેસ સાથેના સાથીપક્ષોની એમવીએને મુસ્લિમ મતોનો પાયદો મળે છે.
| Also read: વિવાદીત સસ્પેન્ડેડ આઈએએસ પૂજા ખેડેકરની પિતા ચૂંટણી મેદાનમાં, પત્ની વિશે એફિડેવિટમાં કહ્યું કે….
એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજે એમવીએને મત આપ્યા હતા અને તેનો ફાયદો શિવસેના યુબીટીને મુંબઈની બેઠકો પર પણ થયો હતો, પરંતુ હવે વિધાનસભામાં શિવસેનાએ મુસ્લિમ વર્ચસ્વવાળા વિસ્તારોમાં સમુદાયને પ્રતિનિધિત્વ ન આપતા મુસ્લિમ સમુદાયમાં અસંતોષ છે.
આ વાતની સાબિતી એ છે કે કૉંગ્રેસના નેતા યુસુફ અબ્રાહનીએ જાહેરમાં ઉદ્ધવસેનાનો બૉયકોટ કરવાની વાત કરી છે. તેમણે એક બેઠક બોલાવી હતી, જેમાં સમુદાયના ધર્મગુરુઓ પણ હાજર હતા. તેમણે કહ્યું કે આખી મુસ્લિમ કોમએ લોકસભામાં એમવીએને મત આપ્યા અને તેમના મતને કારણે જ મુંબઈમાં શિવસેનાના સાંસદો ચૂંટાયા. આ માટે તેમણે ભાયખલ્લાનું ઉદાહરણ આપ્યું જ્યાં 41 ટકા મુસ્લિમ મત છે. અહીંના વિધાનસભ્ય યામિની જાધવ (શિંદેસેના) લોકસભામાં અરવિંદ સાવંત સામે હાર્યા હતા. હવે આ બેઠક ઉદ્ધવસેનાએ કૉંગ્રેસને ન આપતા પોતાની પાસે રાખી છે અને અહીંથી મનોજ જમસુતકરને ઉમેદવારી આપી છે ત્યારે આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને તક મળવી જોઈએ તેમ તેમનું કહેવાનું છે.
તેમણે આ પોસ્ટ ફેસબુક પર મૂકી છે અને તેને ચાર લાખ જેટલા લોકોનું સમર્તન મળ્યાનો દાવો પણ કર્યો છે. આ સાથે કહ્યું કે તેમણે આ અપીલ મુસ્લિમ સમુદાયના અગ્રણી તરીકે કરી છે, કૉંગ્રેસના નેતા તરીકે નહીં. જોકે સેનાના નેતા સુભાષ દેસાઈએ આ વાતનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે સેનાએ વર્સોવાથી મુસ્લિમ ઉમેદવાર જ ઊભો રાખ્યો છે. મુસ્લિમ સમાજને ઉદ્ધવ ઠાકરે પ્રત્યે સન્માન છે અને કોઈ નેતાની આવી વાત તેઓ સાંભળવાના નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે અબ્રાહનીને ટિકિટ જોઈતી હતી, પણ ન મળી એટલે તેઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. તેમનો પક્ષ ઈચ્છે તો તેમને ગમે ત્યાંથી ટિકિટ આપી શકે છે.
| Also read: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ
એક કાર્યકર્તાના જણાવ્યા અનુસાર ભાયખલ્લા મતવિસ્તારમાં લાલબાગનો વિસ્તાર પણ આવે છે અને તેથી અહીં મુસ્લિમ ઉમેદવાર આપવો શક્ય નથી. હવે જોઈએ કે કોણ કોની વાત સાંભળે છે અને કોને મત આપે છે. આ વાતનો 23 નવેમ્બરે પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે.