કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારની મુશ્કેલી વધશે?
ઉજ્જ્વલ નિકમ વિરુદ્ધ નિવદેન બદલ કાર્યવાહીની માગ

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના નેતા કૉંગ્રેસના વિજય વડેટ્ટીવારે ઉજ્જ્વલ નિકમને ગદ્દાર કહ્યા ઉપરાંત શહીદ હેમંત કરકરેની હત્યા આતંકવાદીઓએ નહીં, પરંતુ પોલીસ દ્વારા જ કરવામાં આવી હોવાનો બફાટ કર્યો ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ભાજપ દ્વારા ચૂંટણીપંચને વિજય વડેટ્ટીવાર વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
ઉજ્જ્વલ નિકમની બદમાની કરવા બદલ વડેટ્ટીવાર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે. વડેટ્ટીવાર જુઠ્ઠાણું ફેલાવતા હોવાનું પણ ભાજપ તરફથી પોતાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉજ્જ્વલ નિકમને ભાજપ તરફથી ઉત્તર-મધ્ય મુંબઈ ક્ષેત્રની ઉમેદવારી આપવામાં આવી છે. હાલમાં જ વડેટ્ટીવારે નિકમને ગદ્દાર કહ્યા હતા અને મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન શહીદ થનારા એટીએસ(ઍન્ટિ ટેરેરિઝમ સ્ક્વૉડ)ના વડા હેમંત કરકરેને આતંકી મોહમ્મદ અજમલ આમીર કસાબે નહીં, પરંતુ પોલીસે ગોળી મારીને તેની હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો. ફક્ત એટલું જ નહીં, આ તથ્ય નિકમે અદાલત સમક્ષ છુપાવ્યું હોવાનું પણ વડેટ્ટીવારે જણાવ્યું હતું. આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)થી ઘેરોબો ધરાવતા પોલીસકર્મીએ કરકરેને ગોળી મારી હોવાનું વિવાદાસ્પદ નિવેદન વડેટ્ટીવારે જણાવ્યું હતું.
જોકે, પછીથી આ બધા નિવેદનો પોલીસ અધિકારી એસ.એમ.મુશ્રીફ દ્વારા લખવામાં આવેલી પુસ્તક આધારિત હોવાનું વડેટ્ટીવારે કહ્યું હતું. જોકે, ચૂંટણી ટાણે આવા વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપે તેમની વિરુદ્ધ ફરિયાદ કરતા તેમની મુશ્કેલીમાં વધારો થઇ શકે.
દુશ્મન દેશને ફાયદો થાય છે: ઉજ્જ્વલ નિકમ
નિકમે પોતાના વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન વિશે જણાવ્યું હતું કે જવાબદાર વિરોધપક્ષ તરીકે તેમના નેતાઓએ આ પ્રકારના નિવેદનો આપતા બચવું જોઇએ જેનાથી આપણા દુશ્મન દેશને ફાયદો થાય. વડેટ્ટીવારના નિવેદનોને ખોટા અને તથ્યો અને પુરાવા વિનાના હોવાનું નિકમે જણાવ્યું હતું.
મુંબઇ ભાજપના અધ્યક્ષ આશિષ શેલ્લારે જણાવ્યું હતું કે અમે વડેટ્ટીવાર વિરુદ્ધ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ખોટી માહિતી ફેલાવવા બદલ અમે ચૂંટણીપંચને લેખિતમાં ફરિયાદ કરી છે.