નીટ પરીક્ષા વિવાદમાં કોંગ્રેસે સીબીઆઈ તપાસની માગ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મંગળવારે નીટ-યુજી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવાની માગણી કરી હતી.
ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં માર્કના ફુગાવાના આક્ષેપ કર્યા હતા, જેને પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ગયા અઠવાડિયે શિક્ષણ મંત્રાલયે 1,500 થી વધુ ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સની સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની પેનલ બનાવવાની જાહેરાત કરી હતી.
ભાજપ સત્તામાં આવ્યા પછી નીટ અસ્તિત્વમાં આવ્યું જેનાથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ રહી છે. તે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. નીટ દાખલ કરીને કેન્દ્ર સરકારે દેશભરમાં પરીક્ષાઓ અને પ્રવેશ પર કેન્દ્રીય નિયંત્રણ મેળવ્યું છે. તેમણે વાલીઓને નીટના ટ્યૂશન માટે ઊંચી ફી ચૂકવવાની ફરજ પાડી છે એમ પટોલેએ મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો કે પરીક્ષામાં ભ્રષ્ટાચાર ગરીબ વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં પ્રવેશથી દૂર રાખે છે.
પટોલેએ ઉમેર્યું હતું કે અમે નીટ પરીક્ષાની સીબીઆઈ તપાસ કરાવવાની માગણી કરીએ છીએ.
એનટીએએ કોઈપણ અનિયમિતતાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવેલા ફેરફારો અને પરીક્ષા કેન્દ્રો પર સમય ગુમાવવા બદલ અપાયેલા ગ્રેસ માર્કસનો વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મેળવવા પાછળના કેટલાક કારણો છે. (પીટીઆઈ)