ઘોડા દોડ્યા પછી કૉંગ્રેસ લગાવશે તબેલાને તાળાઃ મહારાષ્ટ્રમાં હારના કારણો શોધવા સમિતિ…

મુંબઈઃ અબ પછ્તાયે કા હોવત હૈ જબ ચીડિયા ચુભ ગઈ ખેત… આ ખૂબ જાણીતી પંક્તિ કૉંગ્રેસ માટે એકદમ સાચી સાબિત થાય છે કારણ કે પક્ષ જે સમયે જે પગલાં લેવા જોઈએ, જે કામ કે રણનીતિ અપનાવી જોઈએ તે ન અપનાવતા હાથમાંથી અવસર નીકળી જાય પછી માત્ર સમિતિઓ બનાવે છે, બેઠકો કરે છે અને ચિંતન કર્યા કરે છે. આમ એક નહીં અનેકવાર થયું છે, પંરતુ દેશનો સૌથી જૂનો પક્ષ બેઠું થવાનું નામ નથી લેતો, તે લોકશાહી દેશ માટે દુઃખની વાત છે.
કૉંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા-2024ની ચૂંટણીમાં ઘણો જ ખરાબ દેખાવ કર્યો હતો. જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ અને ટિકિટ વહેંચણી થઈ ત્યારથી જ ઘણી નારાજગી દેખાઈ રહી હતી અને તત્કાલીન અધ્યક્ષ નાના પટોલેએ ટિકિટ વહેંચણીમાં પક્ષપાત કર્યો હોવાના આક્ષેપો થયા હતા. આ સાથે પક્ષે અમુક બેઠક પર નબળા ઉમેદવારો ઊભા કર્યાના દાવાઓ પણ થયા હતા, પરંતુ તે સમયે કોઈ પગલાં લેવાને બદલે હવે કૉંગ્રેસે એક સમિતિનું ગઠન કર્યું છે જે તે સમયે ચૂંટણીમાં થયેલી કથિત અનિયમિતતા અને હારના કારણોનું વિષ્લેષણ કરશે અને તેનો અહેવાલ પાર્ટી હાઈકમાન્ડને આપશે.

કૉંગ્રેસે આ સમિતિ માટે અધ્યક્ષ સ્થાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને નિયુક્ત કર્યા છે અને તેમની સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સચિવ પ્રફુલ ગુડ્ડે પાટીલ, પૂર્વ પ્રધાન અશોકરાવ પાટીલ, પ્રદેશ મહાસચિવ રાજેશ શર્મા, ધનંજય શિરિષ ચૌધરી, પરિક્ષિત જગતાપ અને કૉંગ્રેસ મહાસચિવ અભય છાજેડ જોડાશે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિ કે ફેરફાર અને મતદાન સમયે બહાર આવેલી ગેરરીતિઓનો અભ્યાસ કરવાનો છે. પક્ષના નેતા રાહુલ ગાંધીએ વારંવાર મહારાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયા અને મતદાન તેમ જ મત ગણતરી મામલે આક્ષેપો કર્યા છે. ચૂંટણી પંચ અને કૉંગ્રેસ પક્ષ ઘણીવાર આમને સામને આવી ગયા છે.
કૉંગ્રેસના લગભગ 100 જેટલા નેતાએ ચૂંટણી પ્રક્રિયા મામલે અલગ અલગ કોર્ટમાં અપીલ કરી છે. આ સાથે પૃથ્વીરાજ ચવ્હાણે ખાસ એક લીગલ ટીમ તેમની મદદ માટે દિલ્હીથી મોકલવામાં આવે, તેવી અપીલ પણ પક્ષ આલા કમાન્ડને કરી છે.
કૉંગ્રેસ ચૂંટણી પંચ સામે હવે આક્ષેપો કરે છે, પરંતુ ચૂંટણી ટાકણે જે બૂથ મેનેજમેન્ટ કરવું જોઈએ તે કરતી નથી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોને છ મહિના કરતા વધારે સમય થયો છે. કૉંગ્રેસે બિહારની ચૂંટણી પહેલા આ મુદ્દાને ઉઠાવીને ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો છે તે સારી વાત છે, પરંતુ હવે મહારાષ્ટ્રમાં સમિતિ ગઠિત કરી અહેવાલો બનાવવાનો અર્થ સરતો હોય તેમ લાગતું નથી.
કૉંગ્રેસે પોતાના સંગઠનની ખામીઓ, નેતાઓની પસંદગી વગેરે પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જે પૃથ્વીરાજ ચવ્હાણને સમિતિના અધ્યક્ષ બનાવ્યા તેમને જો મહારાષ્ટ્રનું અધ્યક્ષપદ કે રાજ્યસભાનું સભ્ય પદ આપ્યું હોત તો તે ભાજપ સામે શિંગડા ભરાવી શક્યા હોત. ચવ્હાણે લગભગ 20 કરતા વધારે સમય પ્રધાનમંત્રી કાર્યાલયમાં સેવા આપી છે અને અશોક ચવ્હાણના ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ડામાડોળ થઈ રહેલા મહારાષ્ટ્ર કૉંગ્રેસને સ્થિર કરવાનું કામ પણ કર્યું છે. જોકે 2014ની ચૂંટણીમાં હાર અને ત્યારબાદ કૉંગ્રેસના નબળા દેખાવ પણ થયા છે, પરંતુ કૉંગ્રેસે ચવ્હાણ જેવા મહારાષ્ટ્ર કૉંગ્રેસના અનુભવી અને વરિષ્ઠ નેતાઓનો વધારે લાભ લેવો જોઈતો હતો, તે પક્ષે લીધો નથી. હજુ પણ અંદરોઅંદર લડી મરતી કૉંગ્રેસ માત્ર સમિતિ કે અહેવાલથી સંતોષ માની ન લેતા ઠોસ પગલાં લે તે જરૂરી છે.