મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર

મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે મુંબઈ કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર કૉંગ્રેસની બે અલગ-અલગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કૉંગ્રેસે સાતમી ઓગસ્ટે યોજાનારી મહાવિકાસ આઘાડી (MVA)ની બેઠક માટે પોતાની રણનીતિ બનાવી છે. લોકસભાની ચૂંટણીમાં ૧૩ બેઠક પર વિજય મેળવ્યા બાદ કૉંગ્રેસનું મનોબળ વધી ગયું છે. તેથી કૉંગ્રેસ સતત વધુ બેઠકની માગણી કરી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી પર 36 બેઠક પર લડી શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર કૉંગ્રેસ મહારાષ્ટ્રની કુલ ૨૮૮ બેઠકમાંથી ૧૧૦-૧૨૦ બેઠક પર લડવા માગે છે. સાતમી ઓગસ્ટે વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા અને અન્ય પાસાંઓ પર મહાવિકાસ આઘાડીની બેઠક યોજાવાની છે જેમાં ઉદ્ધવ જૂથ, શરદ પવાર જૂથ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.
મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીની બેઠકની પહેલા મુંબઈમાં મુંબઈ કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર કૉંગ્રેસની બેઠક યોજાઇ હતી, જેમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાની રણનીતિ તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુંબઈ માટે ઉદ્ધવ ઠાકરે સાથે વાત થઇ છે અને હજી ચર્ચા ચાલી રહી છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આપ મુંબઈમાં ૩૬ બેઠક પર લડવા તૈયાર
મહારાષ્ટ્રમાં આમ આદમી પક્ષ (આપ) વિધાનસભાની ચૂંટણી લડશે અને મુંબઈની તમામ ૩૬ બેઠક પર પોતાના ઊભા રાખશે, એમ પક્ષનાં નેતા પ્રીતિ શર્મા મેનને જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળનો આપ ઈન્ડી ગઠબંધનનો ભાગ છે. લોકસભાની ચૂંટણી પણ અમે સાથે મળીને લડ્યા હતા અને આગળ પણ રાષ્ટ્રીય સ્તરે અમે સાથે જ રહીશું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરક્ષણની જરૂર નથી: રાજ ઠાકરેનું નિવેદન વિવાદમાં
આપ મુંબઈમાં ૩૬ બેઠક પર લડસે અને મહારાષ્ટ્રના અન્ય ભાગમાં અમારા સાથીઓ અને સ્વયંસેવકો ચૂંટણી માટેની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આપ રાષ્ટ્રીય પક્ષ છે અને અમારી દિલ્હી તથા પંજાબમાં સત્તા છે, જ્યારે ગોવા અને ગુજરાતમાં પણ અમારા સાંસદો છે.
છેલ્લા ૧૦ વર્ષમાં આપે વિકાસનું ‘દિલ્હી મોડલ’ તૈયાર કર્યું છે જેમાં ગુણવત્તાવાળું શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજળી મફતમાં પૂરા પાડવામાં આવે છે અને એ પણ કોઇ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર, એવો તેમણે દાવો કર્યો હતો.