આમચી મુંબઈ

ભીડ, ગરમી અને રેલવે બ્લોક દશેરાની ખરીદી કરવા નીકળેલા લોકોના હાલબેહાલ

મુંબઈ: દશેરા મંગળવારે છે તેથી રવિવારે ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી હતી. શહેરમાં ગરમીએ પણ માઝા મૂકી છે અને લોકો બફારાનો ત્રાસ સહન કરી રહ્યા છે. એવામાં રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક હોવાને કારણે ટ્રેનો મોડી હોવાથી લોકોને રીતસરનો ત્રાસ સહન કરવો પડ્યો હતો. ભીડ, ગરમી અને બ્લોકના વિલંબને કારણે લોકોનો રવિવાર થાકવાડોભર્યો રહ્યો હતો. પશ્ર્ચિમ રેલવેમાં પણ બ્લોક હતો એવામાં ચર્ચગેટથી બોરીવલી જઇ રહેલી લોકલનું કપલિંગ તૂટી પડ્યું હોવાથી ટ્રેન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. આ સિવાય ગોરેગામ અને બોરીવલી વચ્ચે ફાસ્ટ લાઇન પર બ્લોક હોવાને કારણે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

ચર્ચગેટ-મરીન લાઈન્સ વચ્ચે લોકલ ટ્રેનના બે કોચ અલગ થયા
પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના કોચ અચાનક અલગ પડી જવાને કારણે રેલવે પ્રશાસન દોડતું થઇ ગયું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ દાવો કર્યો હતો. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ સેકશનમાં આ બનાવ સવારે ૧૧ વાગ્યાના સુમારે બન્યો હતો. ચર્ચગેટ સ્ટેશનથી મરીન લાઈન્સ વચ્ચે ડાઉન સ્લો લાઇનમાં આ બનાવ બન્યો હતો. આ બનાવ પછી તાત્કાલિક ટ્રેનને ખાલી કરીને કારશેડ રવાના કરી હતી.

આ બનાવ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે ૧૦.૫૭ વાગ્યાની ચર્ચગેટથી બોરીવલી જવા નીકળેલી સ્લો લોકલ ટ્રેનના કોચ મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક એકએક અલગ થયાં હતાં, સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઇ નહોતી. આમ આ બનાવને કારણે ચર્ચગેટથી ડાઉન સ્લો લાઇનની ટ્રેનને ફાસ્ટ ટ્રેક પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ બનાવ કઈ રીતે એના અંગે વધુ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બીજી બાજુ પ્રવાસીઓએ કહું હતું કે તહેવારોના દિવસોમાં પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો એક દિવસ નિયમિત દોડતી નથી. રોજ લોકલ ટ્રેનો અનિયમિત દોડતી હોવાથી પ્રવાસીઓ રોજ હેરાન થાય છે. આજે પણ રવિવારના બ્લોકના દિવસે પણ પ્રવાસીઓને હાલાકી પડે પણ રેલવે આંખ આડા કાન કરે આ બાબત હકીકત છે. આજે આ બનાવને કારણે ટ્રેનમાં ગીચતા અને ટ્રેન કેન્સલેશન પણ યથાવત. બ્લોકના નામે પ્રવાસીને હેરાનગતિ સિવાય કંઈ નસીબમાં નથી અને કોઈ બનાવ બને તો એના નામે બસ, હાથ ઊંચા કરી દેવાના, એમ વિરારના એક પ્રવાસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button