‘અટલ સેતુ’ પર ટોલમાં ગડબડ: કરોડોના કૌભાંડની ભીતિ રિટર્ન પ્રવાસમાં વધુ વસૂલાયા
મુંબઈ: હાલમાં જ શરૂ થયેલા ‘અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા અટલ સેતુ’ પર ટોલ બાબતે મૂંઝવણ ઊભી થઈ છે. વાહનચાલક પાસેથી રિટર્ન મુસાફરીના ૭૫ રૂપિયા વધુ વસૂલાતા હોવાનું જોવા મળ્યું છે. આવું એક કે બે નહીં, કેટલાય ડ્રાઇવરો સાથે બન્યું છે.
મુંબઈ અને નવી મુંબઈને ૨૦ મિનિટમાં જોડતા ‘અટલ સેતુ’ના ઉદ્ઘાટનને ૧૧ જ દિવસ થયા છે, ત્યાં આ પુલને લગતો વધારાનો ટોલ વસૂલાતની માહિતી સામે આવી છે. બ્રિજ પર એક તરફની મુસાફરી માટે કારને રૂ. ૨૫૦નો ટોલ લાગે છે. તે જ દિવસે પરત ફરવા માટે રૂ. ૧૨૫ છે. એક ડ્રાઈવરે ૨૦ જાન્યુઆરીની રાત્રે જસઈથી શિવડી
સુધી મુસાફરી કરી હતી. આ માટે ફાસ્ટેગમાંથી ૨૫૦ રૂપિયાનો રોડ ટેક્સ કાપવામાં આવ્યો છે. એક કલાક પછી વળતરની મુસાફરીનો ચાર્જ ૧૨૫ થવાની ધારણા હતી, પરંતુ વાસ્તવમાં તેના ખાતામાંથી રૂ. ૨૦૦ ટોલ વસૂલ કરવામાં આવ્યા હતા.
અટલ સેતુ પર અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ વાહન ચાલકોએ મુસાફરી કરી છે. આમ, જો આ તમામ વધારાના નાણાં કાપવામાં આવે તો કરોડો રૂપિયાનો મોટો ગોટાળો થવાની આશંકા છે. આ પુલનું નિર્માણ એમએમઆરડીએએ દ્વારા કરવામાં આવ્યું છે. ‘એમએમઆરડીએ’ને આ વિશે પૂછાતાં, તેઓએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિજ પર ‘ઓપન રોડ ટોલિંગ’ની નવી સિસ્ટમ છે. આ તેના સ્થિરીકરણમાં વિલંબ કરી રહ્યું છે. તેમાંથી વધારાના ટોલ વસૂલાતના કિસ્સાઓ બની શકે છે.