ઈડીની રેડને મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે સંઘર્ષ
રોહિત પવારે અજિત પવાર તરફ કર્યો આક્ષેપ: આક્ષેપોને બાલિશ ગણાવતાં અજિત પવારે નકારી કાઢ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પર ઈડીની તવાઈ આવ્યા બાદ આને માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પોાતાના સગા કાકા અજિત પવાર જવાબદાર હોવાનો આક્ષેપ રોહિત પવારે કર્યો હતો, જ્યારે અજિત પવારે ભત્રીજાને બાલિશ ગણાવતાં પોતાની સામેના આક્ષેપો નકારી કાઢ્યા હતા.
શું કહ્યું રોહિત પવારે?
રોહિત પવારની બારામતી એગ્રો કંપની સાથે સંકળાયેલા છ સ્થળો પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે રોહિત પવાર વિદેશમાં હતા. શનિવારે તેઓ મુંબઈ પાછા ફર્યા હતા અને તત્કાળ પત્રકારોને બોલાવીને પોતાના કાકા અજિત પવાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે છેલ્લા સાત દિવસમાં દિલ્હી કોણ કોણ જઈને આવ્યું? ભાજપના ક્યા લોકો ગયા હતા? અને અજિત દાદા મિત્ર મંડળના કોણ કોણ લોકો દિલ્હીમાં ગયા હતા? આ બધાનો અભ્યાસ કરશો તો ઈડીની તપાસ પાછળ કોનો હાથ છે તે ખબર પડી જશે.
અજિત પવારે શું કહ્યું?
રોહિત બાળક છે. બાળકો માટે વધુ બોલવાનું હોતું નથી. તેના સવાલનો મારે જવાબ આપવો પડે એટલો મોટો તે હજી સુધી થયો નથી. મારા કાર્યકર્તાઓ અને પ્રવક્તા જવાબ આપશે. અત્યારે આ બધું તમને જે કહેવામાં આવી રહ્યું છે. તો આ પહેલાં મારા બાવીસ સ્થળો પર કાર્યવાહી થઈ હતી એ પણ તમને ખબર છે કે નહીં? છેલ્લે તપાસ કરવાનો અધિકાર સ્વાયત્ત સંસ્થાઓને હોય છે. જો સત્ય હશે તો તે બહાર આવશે. સચ્ચાઈ નહીં હોય તો જ કાર્યવાહી થશે. આજે જ નહીં, તપાસ યંત્રણા આવા અનેક પ્રકરણની તપાસ કરી રહી હોય છે, પરંતુ મીડિયા ફક્ત પસંદગીના પ્રકરણોને પ્રસિદ્ધિ આપે છે. આખા વર્ષમાં અનેક લોકોની તપાસ થઈ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કામ કરનારી સંસ્થાઓએ તેમનું કામ કરવું જોઈએ. તેઓ જવાબદારીપુર્વક કામ પાર નહીં પાડે તો પીઆઈએલ (જનહિત અરજી) દાખલ કરવામાં આવી શકે છે. અમે આ ધ્યાનમાં લાવી આપ્યું છે છતાં ખાસ ધ્યાન આપવામાં આવતું નથી.