પહેલી ઑક્ટોબરથી ૫૭૪ રસ્તાના કૉંક્રીટાઈઝેશનું કામ થશે ફરી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય સાથે જ પહેલી ઓક્ટોબરથી મુંબઈ મહાનગરપાલિકામાં શહેરમાં તેનો મેગા કૉંક્રીટાઈઝેશન પ્રોેજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની છે. મુંબઈના ૫૭૪ રસ્તા (૧૫૬.૭૪ કિલોમીટર) જેના ચોમાસા પહેલા આંશિકરૂપે કામ પૂરા થયા હતા તેના ઑક્ટોબરના પહેલા બે અઠવાડિયામાં કામ હાથ ધરવામાં આવશે. હાલ મુંબઈમાં અત્યાર સુધી રસ્તાના ૪૯ ટકા કૉંક્રીટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ ફરી શરૂ કરવામાં આવશે, જેમાં પહેલા અમે આંશિક રીતે પૂરા થયેલા રસ્તાના કામને પ્રાથમિકતા આપશું કારણે આમાના ઘણા રસ્તાના કામ મોટાભાગના પૂરા થવાની તૈયારીમાં હતા પણ ચોમાસાને કારણે તે કામ પૂરા થઈ શકાય નહોતા. એ સાથે જ અમે કૉંક્રીટીકરણ માટે પ્રસ્તાવિત ૭૭૬ રસ્તા (૨૦૮.૭૦ કિલોમીટર)ના કામ જે હજી શરૂ જ થયા નથી તેેમાંથી અમુક રસ્તાના કામ પણ હાથ ધરવાના છીએ.
વધુ માહિતી આપતા અભિજિત બાંગરે જણાવ્યું હતું કે અમારો ઉદૃેશ્ય સૌથી પહેલા ૫૭૪ રસ્તાના કામ પૂરા કરવાનો રહેશે. આ ૫૭૪ રસ્તામાંથી ઘણા રસ્તા દક્ષિણ મુંબઈમાં આવે છે, જયાં કૉન્ટ્રેક્ટર સંબંધિત સમસ્યાને કારણે મુંબઈના અન્ય વિસ્તારના રસ્તાના કૉંક્રીટીકરણના કામ કરતા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. રસ્તાઓ ખોદવાને કારણે નાગરિકોને અસુવિધા થાય નહીં તે માટે એક જ વિસ્તારમાં અનેક રસ્તાના કામ એકી સાથે હાથ ધરવામાં આવશેે નહીં. ગયા વર્ષે બાન્દ્રા (પશ્ર્ચિમ)માં એક જ સમયે અનેક રસ્તાઓના કૉંક્રીટાઈઝેશનના કામ હાથ ધરવામાં આવ્યા હતા જેને કારણે નાગરિકોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડયો હતો.
પાલિકાના મેગા સિમેન્ટ કૉંક્રીટાઈઝેશના પ્રોજેક્ટમાં કુલ ૨,૧૨૧ રસ્તાના કામ કરવામાં આવવાના છે, જોકે હવે લગભગ ૨૫ રસ્તા કે જેનું કૉંક્રીટાઈઝેશન કરવાનો પ્રસ્તાવ હતો, તેને હવે રદ કરવામાં આવ્યો છે. આ બાબતે અભિજિત બાંગરે જણાવ્યું હતું કે અમુક રસ્તા પર બાંધકામ હોવાને કારણે પૂરતા પ્રમાણમાં તેની પહોળાઈ ન હોવાને કારણે તેનું કૉંક્રીટાઈઝેશન કરવું શક્ય ન હોવાથી હવે તેને ડામરનો જ રહેવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક જગ્યાએ સ્થાનિક નાગરિકોએ કૉંક્રીટાઈઝેશન સામે વિરોધ રતા તે રસ્તાઓના કૉંક્રીટાઈઝેશન માટે પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો હતો.
રસ્તાની માહિતી માટે ડેશબોર્ડ
લાંબા સમયથી નાગરિકો દ્વારા કરવામાં આવતી માગણીને ધ્યાનમાં રાખીને પાલિકાએ મંગળવારે રીઅલ-ટાઈમ રોડ કૉંક્રીટાઈઝેશન ડેશબોર્ડ શરૂ કર્યું હતું, જેનાથી નાગરિકો તેમના વિસ્તારોમાં રસ્તાના કામની પ્રગતિ સરળતાથી ટ્રેક કરી શકશે. ફક્ત એક ક્લાકથી યુઝર હવે ઝોન મુજબ અને વોર્ડમાં ચાલી રહેલા રસ્તાના કામની માહિતી મેળવી શકશે, જેમાં પૂરા થયેલા રસ્તાના કામ, પ્રગતીએ રહેલા કામ અને બાકી રહેલા પ્રોજેક્ટની માહિતી મેળવી શકાશે. ડેશબોર્ડ દરેક ચોક્કસ રસ્તા માટે જવાબદાર એન્જિનિયર અને કૉન્ટ્રેક્ટરોના નામ વિગતવાર પ્રોજેક્ટ અને તેની ડેડલાઈન સાથે પ્રદર્શિત કરશે. https://roads.mcgm.gov.in/publicdashboard/ ક્લીક કરીને નાગરિકો રસ્તાની વિગત મેળવી શકશે.
પહેલી ઑક્ટોબરથી અહીં કૉંક્રીટાઈઝેશન શરૂ થશે
ડી વોર્ડમાં મલબારહિલ, નેપિયન્સી રોડ, તાડદેવ, બી વોડમાં મોહમ્મદ અલી રોડ, ડોંગરી, એફ-ઉત્તર વોર્ડમાં માટુંગા, કિંગ સર્કલ, એચ-વેેસ્ટ વોર્ડમાં બાન્દ્રા-વેસ્ટ, ખાર વેસ્ટ અને સાંતાક્રુઝ વેસ્ટ, એમ વેસ્ટ વોર્ડમાં ચેમ્બુર અને એ વોર્ડમાં ચર્ચગેટ તથા ફોર્ટમાં કામ ચાલુ થશે.