મુંબઈના ૫૭૪ રસ્તાઓના કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા ટ્રાફિક પોલીસે આપી એનઓસી

ઑક્ટોબરથી કૉંક્રીટાઈઝેશનનું કામ ફરી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાના આગમન પહેલા આંશિક રીતે કૉંક્રીકીકરણ કરવામાં આવેલા ૧૫૬.૭૪ કિલોમીટર લંબાઈના ૫૭૪ રસ્તાઓનું કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા મુંબઈ ટ્રાફિક પોલીસ તરફથી મુંબઈ મહાનગરપાલિકાને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળી ગયું છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આંશિક પૂરા થયેલા રસ્તાના કામ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂરા કરવા માટે સુધરાઈ ઑક્ટોબરમાં કામ ફરી શરૂ કરવાની છે.
સુધરાઈનો ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનો મેગા રોડ કૉંક્રીટાઈઝેશન પ્રોજેક્ટ, જે ચોમાસાને કારણે જૂનથી સપ્ટેમ્બર સુધી અસ્થાયી રૂપે બંધ રહ્યો હતો, તે આવતા મહિનેથી ફરી શરૂ થવાનો છે. ૩૧ મે સુધીમાં પાલિકાના કૉંક્રીટાઈઝેશન અભિયાન હેઠળના કુલ રસ્તાઓમાંથી લગભગ ૪૯ ટકા કામ પૂરા થઈ ગયા છે, જેમાં બીજા તબક્કા ૬૪ ટકા કામ પૂરું થયું છે. આ દરમ્યાન પાલિકાએ કામ સરળતાથી શરૂ કરવા માટે ટ્રાફિક એનઓસી માંગ્યુ હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આંશિક રીતે પૂર્ણ થયેલા તમામ ૫૭૪ રસ્તાઓના કામ ફરી શરૂ કરવા માટે ટ્રાફિક વિભાગ પાસેથી એનઓસી મળ્યા છે. ચોમાસાને કારણે ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં કામ ફરી શરૂ થવાની ધારણા છે. જોકે નાગરિકોને રાહત રહે તે માટે અમારી પ્રાથમિકતા આ વર્ષના અંત સુધીમાં આ રસ્તાઓ પૂર્ણ કરવાની છે.
મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સ્થાનિક માગણી અને સંબંધિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અગાઉથી ચર્ચા કર્યા વિના કોઈ પણ નવા રસ્તા ખોદવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અધિકારીએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કૉંક્રીટાઈઝેશન પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળનું કામ હાલના રસ્તાઓનું કામ પૂરું થયા પછી તરત જ શરૂ કરવામાં આવશે. વધુમાં રહેવાસીઓ પબ્લિક પ્લેટફોર્મ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે, જે તેમના સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓની કામની પ્રાથમિકતા નક્કી કરવામાં મદદ કરશે.
સમગ્ર મુંબઈમાં કુલ ૬૯૮.૭૩ કિલોમીટરના ૨,૧૨૧ રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાએ અત્યાર સુધીમાં પહેલા તબક્કામાં ૭૭૧ રસ્તાઓ પર ૧૮૬ કિલોમીટર અને બીજા તબક્કામાં ૭૭૬ રસ્તાઓ પર ૨૦૮.૭૦ કિલોમીટરના કામ શરૂ કર્યા હતા, જેમાં શહેરના ૩૬૦ રસ્તાઓ, પશ્ર્ચિમ ઉપનગરમાં ૬૪.૦૬ કિલોમીટરને આવરી લેતા ૨૧૬ રસ્તાઓ અને પૂર્વીય ઉપનગરમાં ૫૨.૩૩ કિલોમીટરને આવરી લેતા ૨૦૦ રસ્તાઓનો સમાવેશ થાય છે. વિવિધ કારણોસર પ્રોજેક્ટમાં શરૂઆતમાં વિલંબ થયો હોવા છતાં સંપૂર્ણ કૉંક્રીટીકરણ અભિયાન હવે મે, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
ડેશબોર્ડ પર નાગરિક ફરિયાદ કરશે
રસ્તાઓના કામની સમીક્ષા કરતી વખતે મુંબઈ ઉપનગરના પાલક પ્રધાને પાલિકાના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે નાગરિકોને ડેશબોર્ડ પર યુટિલિટીઝ સર્વિસને નુકસાન થવાની ફરિયાદ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે નુકસાન પામેલી યુટિલિટીઝ સર્વિસમાં પાણીની લાઈન, વીજળીના જોડાણ, ગટર વગેરેને પણ ડેશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવે અને જવાબદાર કૉન્ટ્રેક્ટરને દંડ કરવામાં આવે.