સંપૂર્ણ ગોખલે બ્રિજ આવતા વર્ષે માર્ચમાં ખુલ્લો મુકાશે
ગોખલે અને બરફીવાલા ફ્લાયઓવર જોડવાનું કામ જૂનમાં પૂરું થશે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજના બીજા તબક્કાનું કામ પૂરું થયા બાદ હવે છેક આવતા વર્ષે માર્ચ મહિનામાં જ તેને સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. આ દરમિયાન ગોખલેને સીડી બરફીવાલા ફ્લાયઓવર સાથે જોડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હોઈ જૂન મહિનામાં તેનું કામ પૂરું થવાની સાથે જ તેને ખોલી દેવાની યોજના હોવાનું પાલિકાના એડિશનર કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું.
ગોખલે અને બરફીવાલા પુલ વચ્ચે રહી ગયેલા અંતરને કારણે પાલિકાને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાએ પ્રથમ તબક્કામાં આ બંને પુલને એક લેવલ પર લાવીને તેને ખુલ્લો મૂકવા માટે જૂનનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગયા અઠવાડિયામાં ગોખલે અને બરફીવાલા પુલને જોડવાનું કામનું ઈન્સ્પેકશન કરવા ગયેલા પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે પાલિકાએ ગોખલે બ્રિજના રેલવેના ભાગના બાંધકામમાં સામેલ કૉન્ટ્રેક્ટરને ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બ્રિજને સંપૂર્ણ રીતે ચાલુ કરવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૫નો લક્ષ્યાંક રાખ્યો છે. કામમાં કૉન્ટ્રેક્ટર દ્વારા જે વિલંબ થયો છે તે માટે તેને દંડવામાં આવ્યો છે.
ગોખલે બ્રિજને બરફીવાલા ફ્લાયઓવર સાથે જોડવાના ભાગરૂપે સ્પાન પી-૧૦ અને
પી-૧૧ને લિફ્ટિંગ હાથ ધરવામાં આયું હતું. પી-૧૦ પર કુલ લિફ્ટિંગ ૭૫૦ મિલીમીટર જરૂરી હતું, જે પૂર્ણ થઈ ગયું છે. જ્યારે પી-૧૧નું લિફ્ટિંગ ૧,૩૫૦ મિ.મી. હતું જે ૧,૦૮૭ મિ.મી. થઈ ગયું છે.

આ વર્ષે ૧૪ એપ્રિલના આઈઆઈટી-બોમ્બે અને વીજેટીઆઈના નિષ્ણાતોની દેખરેખ હેઠળ પાલિકાના પુલ વિભાગે ગોખલે બ્રિજને સીડી બરફીવાલા સાથે જોડવાનું કામ શરૂ કર્યું હતું, જ્યાં બને વચ્ચે લગભગ છ ફૂટનું અંતર છે. ગોખલે બ્રિજનો પહેલો આર્મ (હિસ્સો) આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીે ખોલવામાં આવ્યો હતો. જોે ગોખલે પુલની ઊંચાઈ વધારે હોવાથી તેના ક્નેક્ટર એટલે કે સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર સાથે તે જોડાઈ શક્યો નહોતો.
આ દરમિયાન ગોખલે બ્રિજના બીજા હિસ્સાનું કામ ચાલી રહ્યું છે, જે હવે છેક આવતા વર્ષે એટલે કે ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. અધિકારીઓના કહેવા મુજબ હાલ અસેમ્બલીનું કામ ચાલી રહ્યું છે અને જુલાઈમાં ગર્ડર લોન્ચ કરવાનું આયોજન છે. અગાઉ ડિસેમ્બર, ૨૦૨૪ની મુદત આપવામાં આવી હતી અને ૩૧ મેની આસપાસ ગર્ડર લોન્ચ કરવાની યોજના હતી.
નોંધનીય છે કે આરસીસી કૉલમ, ટાઈ બીમ, ગર્ડર, ડેક સ્લેબ અને બેરિંગ્સ જેવા બ્રિજના જુદા જુદા ભાગને નુકસાન થયું હતું. કાટ લાગવાને કારણે બ્રિજ નબળો પડી ગયો હોવાનું જણાઈ આવતા નવેમ્બર, ૨૦૨૨માં ગોખલે બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો અને તેની સાથે સીડી બરફીવાલા ફ્લાયઓવરને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણકે તે સીધો ગોખલે બ્રિજ પર ઉતરતો હતો.