લોકસભાની ચૂંટણી 2024: ચુનાવ ક્યા ક્યા ખેલ કરવાયે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર વચ્ચે ‘સામાન્ય’ દેખાવાની સ્પર્ધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને હવે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો નવા વેષ-વાઘા સજી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠાની બનેલી બારામતી બેઠક પર નણંદ-ભાભી સામ-સામે છે અને આ બેઠક પર વિજય મેળવવા માટે બંનેએ પૂરું જોર લગાવ્યું છે. આ બધામાં હવે બંને વચ્ચે ‘સામાન્ય’ દેખાવા માટે સ્પર્ધા થઈ રહી છે. આ જોઈને તો એવું જ લાગે છે કે ચુનાવ ક્યા ક્યા ખેલ કરાવાયે.
એનસીપીના સ્થાપક શરદ પવારનાં પુત્રી અને બારામતીના વર્તમાન સંસદસભ્ય સુપ્રિયા સુળેએ સામાન્ય લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તેમ જ ડાઉન-ટુ-અર્થ (સામાન્ય) દેખાવા માટે લોકલ ટ્રેનની મુસાફરી કરી હતી. જોકે, જે રીતે તેઓ ‘તુતારી’ લઈને ગયા હતા તેના પરથી ‘સામાન્ય’ દેખાવાનો તેમનો પ્રયાસ કેટલો સફળ થયો તે કહી શકાય નહીં. પુણેના દૌંડથી લઈને યેવટ સુધી તેમણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને પ્રવાસીઓ સાથે વાતો કરી હતી એમ એનસીપી-શરદ પવાર પાર્ટીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર અત્યારે બારામતી મતવિસ્તારને પીંજી રહ્યા છે. તેઓ છેલ્લાં ત્રણ દિવસમાં અનેક ગામડાઓની મુલાકાતે ગયા છે અને પગપાળા ચાલીને તેમ જ લોકોને મળીને તેમની સાથે વાતો કરીને સામાન્ય દેખાવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, સોમવારે તો તેઓ હાઈવે પર એક ધાબા પર બેસીને લોકો સાથે વાત કરી રહ્યા હતા. મંગળવારે તેમણે ગામની જ્યેષ્ઠ મહિલાઓ સાથે ‘સામાન્ય’ બનીને વાતો કરવાનો પ્રયાસ કર્યો હતો.