શિવાજી પાર્કમાં ચૂંટણી સભા કરવા રાજકીય પક્ષો વચ્ચે હોડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના યોજવાની છે ત્યારે મુંબઈના મરાઠી માણુસ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા શિવાજી પાર્કમાં ચૂંટણી સભા યોજવા માટે રાજકીય પક્ષો વચ્ચે દોડાદોડ શરૂ થઈ ગઈ છે.
રાજકીય રેલી માટે મહત્ત્વનું સ્થળ ગણાતા શિવાજી પાર્કમાં શિંદેની સેના અને ઉદ્ધવ ઠાકરેની સેના સાથે રાજ ઠાકરેની મનસેએ ચૂંટણી સભા યોજવા માટે તેને બુક કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાના ‘જી-ઉત્તર’ વોર્ડમાં અરજી કરવામાં આવી છે.
મુંબઈના ૨૨૭ વોર્ડમાં માટે એક જ તબક્કામાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના યોજાશે. લાંબા સમયથી રાહ જોવામાં આવતી ચૂંટણી જોરદાર સ્પર્ધાત્મક બનવાની ધારણા છે. રાજકીય પક્ષોએ હજી સુધી તેમના ઉમેદવારોની યાદી અને બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપ્યું નથી જોકે મતદારોને પોતાની સાથે જોડવાના પ્રયાસ બહુ પહેલાથી તીવ્ર બનાવી દીધા છે.
મુંબઈના સૌથી મોટા મેદાનોમાંના એક ગણાતા અને મરાઠી સમુદાયનું પ્રતીકાત્મક ગઢ ગણાતા દાદરના શિવાજી પાર્ક ચૂંટણી રેલી માટે એક મહત્ત્વનું સ્થળ ગણાય છે. મતદાન પહેલા શિવસેનાના શિંદે જૂથ, શિવસેના (યુબીટી) અને મનસે એ શિવાજી પાર્ક બુક કરવા માટે અરજી કરી છે. ત્રણે પક્ષો મરાઠી માણૂસને પોતાની તરફ કરવા માટે શિવાજી પાર્કમાં રેલી યોજવા માટે પ્રયાસ કરીર હ્યો છે.
પાલિકાના જી-ઉત્તર વોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે શિંદે જૂથ તરફથી ૧૧,૧૨ અથવા ૧૩ જાન્યુઆરી (ત્રણ દિવસમાંથી કોઈ પણ એક માટે) પરવાનગી માગતી અરજી કરવામાં આવી છે. તો ઉદ્ધવની સેનાએ ૧૨ જાન્યુઆરી માટે અરજી કરી છે. ઉદ્ધવની સેનાના કહેવા મુજબ ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ જાહેર સભા કરવા માટે શિવાજી પાર્ક બુક કરવાનો પ્રયાસ છે. પાલિકા પાસેથી જવાબ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે શિવાજી પાર્કમાં રાજકીય રેલી યોજવા માટે ફક્ત છ દિવસ ફાળવવામાં આવ્યા હોવાથી પાલિકા પહેલા અરજી કરનારા પક્ષને મંજૂરી આપતી હોય છે. તેથી આગામી પાલિકાની ચૂંટણી માટે પાલિકા કયા પક્ષને મંજૂરી આપે છે તે જોવાનું રહેશે.



