કોંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવતા યોગી આદિત્યનાથે કહી દીધી આ વાત…
મુંબઈ: મહારાષ્ટ્રના માલેગાંવમાં મહાયુતિ માટે પ્રચાર કરવા પહોંચેલા ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા ગણાતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કૉંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવી હતી.
કૉંગ્રેસ દ્વારા કથિત રીતે પ્રસ્તાવિત વારસા વેરા(ઇન્હેરિટન્સ ટેક્સ-વારસાગત કર) અંગે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કૉંગ્રેસમાં ઔરંગઝેબની આત્મા ઘૂસી ગઇ છે. તેમણે કૉંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે મુગલ બાદશાહ ઔરંગઝેબની આત્મા ભારતની સૌથી જૂના પક્ષમાં ઘૂસી ગઇ છે. વારસા વેરો એ ઔરંગઝેબ દ્વારા લાદવામાં આવેલા જજિયા કર(બિન મુસલમાનો પર લાદવામાં આવતો કર) જેવો છે.
આ પણ વાંચો : જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી
નાશિકના માલેગાંવમાં પ્રચારસભાને સંબોધતા તેમણે મહાયુતિના ધ્યેય અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ આ ચૂંટણી સત્તામાં આવવા માટે નહીં, પરંતુ એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે લડી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બનશે તેમાં કોઇ શંકા નથી. જજિયા કર ઔરંગઝેબ દ્વારા લાદવામાં આવ્યો હતો અને કૉંગ્રેસમાં પણ ઔરંગઝેબની આત્મા ઘૂસી ગઇ છે.
રામ મંદિર વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તે ભારતના 140 કરોડ લોકોની ભાવનાઓનું પ્રતિક છે. રામ ભગવાન ખાતરી કરશે કે વિપક્ષ મંદિરનો વિનાશ કરવા માટે સત્તામાં ન આવે. પાકિસ્તાનની તરફેણ કરનારા લોકોને હું કહેવા માગું છું કે એ ત્યાં જાય અને ત્યાં જઇને ભીખ માગે. પાકિસ્તાનના વખાણ કરનારાઓ માટે ભારતમાં કોઇ જ સ્થાન નથી.