આમચી મુંબઈ

કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹ ૨૦૯ નો વધારો

તહેવારો ટાણે મોંઘવારીનો વઘુ એક માર

મુંબઇ: મોંઘવારીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠેલ સામાન્ય લોકોને વધુ એક ઝાટકો બેઠો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇંધણ કંપનીઓએ વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ૧૯ કિલોનું સિલિન્ડર ૨૦૯ રૂપિયાથી મોંઘુ થયું છે.

ઓક્ટોબરમાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો ઉજવવામાં આવનાર છે. ત્યારે હવે તહેવારો ટાંણે જ એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ ભારણ વધશે. ઇંધણ કંપનીઓ દ્વારા એલપીજીના ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૨૦૯ રૂપિયાના વધારા બાદ રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોનો કમર્શિયલ સિલિન્ડર હવે ૧,૭૩૧.૫૦ રૂપિયામાં મળશે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ૧૯ કિલોનો કમર્શિયલ સિલિન્ડર ૧૬૮૪ રૂપિયામાં મળશે. દરમિયાન આ અગાઉ ૧ સપ્ટેમ્બરથી કમર્શિયલ એલપીજી
સિલિન્ડરની કિંમતમાં ૧૫૭ રૂપિયા ઓછા કરવામાં આવ્યા હતા, અને હવે તેના કરતાં પણ વધુ કિંમત રાખવામાં આવી છે.

ઘરેલું સિલેન્ડરની વાત કરીએ તો છેલ્લાં એક મહિનામાં સરકારે તેમાં ૨૦૦ રૂપિયા ઘટાડ્યા હતાં. જ્યારે હવે ઓક્ટોબરમાં ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ઇંધણ કંપનીઓએ માત્ર કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અને ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ૧૪.૨૦ કિલોનો ઘરેલુ ગેસ સિલિન્ડર દિલ્હીમાં ૯૦૩ રૂપિયા, કલકત્તામાં ૯૨૯ રૂપિયા, મુંબઇમાં ૯૦૨.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૯૧૮.૫૦ રૂપિયામાં મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button